અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યોઃ ભક્તોની વણથંભી વણઝાર

અંબાજીઃ કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી મુકામે ભાદરવી મહામેળો સોળે કળાએ જામ્યો છે. અંબાજીમાં દિવસરાત લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી રહ્યાં છે. માતાજી ઉપરની વિરાટ શ્રદ્ધાના લીધે યાત્રિકો થાક કે વરસાદની પરવા વિના ઉત્સાહભેર અંબાજી પહોંચી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતાં મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો દૂરદૂરથી ચાલતા આવે છે. આ વરસે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂરદૂરથી અંબાજી આવી રહ્યાં છે.

બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેના માર્ગદર્શન અનુસાર યાત્રિકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી મોટાભાગની નવી એસ.ટી.બસો જોઇને યાત્રિકોને આનંદ થયો છમાઇભક્તોને પરત ઘેર જવામાં સરળતા રહે તે માટે એસ.ટી. તંત્ર દ્વારા ૧૧૦૦ જેટલી બસો દોડાવવામાં આવી રહી છે જેથી લાઈનોમાં ઊભાં રહ્યાં વિના લોકો પરત જઇ રહ્યાં છે.ગબ્બરગઢ ઉપર પણ યાતાયાતની એવી જ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

અંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજીમાં રોશનીની સુંદર વ્યવસ્થા કરવામાં આવતા અંબાજી તીર્થ સ્થાનની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. દૂરદૂરથી પદયાત્રા દ્વારા ચાલીને આવતાં ઘણા યાત્રિકો ભક્તિભાવપૂર્વક મંદિર પર ધજા ચડાવી ધન્ય બનતા જોવા મળે છે. ચાચર ચોકમાં બોલ માડી અંબે……જય જય અંબે………..ના જયઘોષ સતત ગુંજી રહ્યા છે. અંબાજીમાં ભક્તિભર્યા ભવ્ય માહોલની જમાવટ થઇ છે.

યાત્રિકોને જરૂરી સુવિધાઓમાં  સ્વચ્છતા, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, વિસામાકેન્દ્રો, સુરક્ષા, લાઇટીંગ, પરિવહન અને પાર્કિંગ, વિનામૂલ્યે ભોજન, દૂધ વિતરણ, સરળતાથી સારા દર્શન કરવાની સુવિધા સારી રીતે ઉપયોગી નીવડી રહી છે. લાખોની સંખ્યામાં યાત્રિકો આવવા છતા પણ અંબાજી મુકામે અને રસ્તાઓ ઉપર સારી સ્વચ્છતા જોવા મળે છે. અંબાજી મહામેળા પ્રસંગે લાખોની સંખ્યામાં યાત્રિકો સાત દિવસ દરમિયાન દૂરદૂરથી યાત્રાધામ અંબાજીમાં આવે છે. આ પ્રસંગે રસ્તાઓ ઉપર અને સમગ્ર અંબાજીમાં સતત વીજ પુરવઠો જાળવવાની કામગીરી યુ.જી.વી.સી.એલ પાલનપુરની સમગ્ર ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે.મહામેળા પ્રસંગે અંબાજી ગામમાં અધિકારીઓ દ્વારા સ્વચ્છતા ડ્રાઇવ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા ડ્રાઇવમાં કલેકટર સહિત ૩૭ જેટલાં જિલ્લાકક્ષાના ક્લાસ વન-ટુ અધિકારીઓ જોડાયા હતાં. સ્વચ્છતા ડ્રાઇવ માટે અંબાજી ગામને ૪ રૂટમાં વહેંચીને ટીમ લીડરના નેતૃત્વ હેઠળ અધિકારીઓની ટુકડીઓ બનાવી સ્વચ્છતા કરવામાં આવી હતી.

મેળા પ્રસંગે પદયાત્રિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે અંબાજી કોટેજ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતા ખાતે ૯ નિષ્ણાત ર્ડાકટરો જેમાં ઓર્થોપેડિક, સર્જન, ફીઝીશીયન, પીડીયાટ્રીશીયન, એનેસ્થેટીક ર્ડાકટરો તેમની ટીમ સાથે ઉપલબ્ધ છે. અંબાજી જતા રસ્તાઓ પર ૩૧ સ્થળોએ સારવાર સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. ઇમરજન્સી ૧૦૮ અંતર્ગત ૧૦ સ્થળોએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. મેડીકલ ઓફીસર, ફાર્માસીસ્ટ, સ્ત્રી આરોગ્ય કાર્યકર સહિત ૧૬૮નો તબીબી સ્ટાફ કાર્યરત છે.

અધિકારીઓએ હાથમાં ઝાડુ-સાવરણી પકડીને સફાઇ કરી હતી તેમજ ગટરોની પણ સફાઇ કરી હતી. જેમાં રૂટ નં. ૧ આઝાદ ચોકથી પોસ્ટ ઓફિસ- જુની હોસ્પિટલ, હનુમાન મંદિરથી ગ્રામ પંચાયત કચેરી પાછળનો રસ્તો-જુની કોલેજ સુધી, રૂટ નં. ૨ માનસરોવરથી હાઇસ્કૂલ થઇને કૈશાલ ટેકરી ત્રણ રસ્તા, અજય માતા ચોકથી ભાટવાસથી દશામાતા મંદિર સુધી ગંગોત્રી પેટ્રોલ પંપ, રૂટ નં. ૩ જુની કોલેજ, પંચાયત રેસ્ટ હાઉસ ભોળવા કુવા સુધી શક્તિ દ્વારા સોસાયટીવાળો રસ્તો અને રૂટ નં. ૪ અંબિકા કોલોની તરફ ગેટ નં. ૫ નો રસ્તો લાલ ટાંકીથી પ્રાથમિક શાળા થઇને મહાકાળી ધર્મશાળા તરફના રસ્તાનો સમાવેશ થાય છે. દૂર દૂરથી આવેલા ઘણા યાત્રિકોએ આ સ્વચ્છતા ડ્રાઇવ જોઇને મનમાં સંકલ્પ કર્યો કે, આપણે પણ સફાઇ કરવામાં શરમ નહીં રાખીએ.