અંબાજી- યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આદ્યશક્તિ હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠીયા જેવી બની રહેતાં સ્થાનિકોએ ભારે વિરોધ સાથે દેવસ્થાન ટ્રસ્ટ સમક્ષ વિરોધ જતાવ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂપિયા 22 કરોડનાં ખર્ચે 200 બેડની અદ્યતન હોસ્પિટલ બનાવાઇ છે અને 4 વર્ષ અગાઉ લોકાર્પણ પણ થઇ ગયું છે. પરંતુ આ હોસ્પિટલમાં ફિજિશિયન, ગાઇનેક, ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન, એન્થેસ્થેટિસ્ટ ડોક્ટરો જ નથી.પરિણામે અંબાજી સહિત આદીવાસી સ્થાનિક જનતા અને યાત્રિકોની યોગ્ય સારવારથી વંચિત રહેવું પડે છે. અંબાજીની આસપાસ ઘાટીઓમાં સર્જાતા પારાવાર અકસ્માત કે પછી સ્થાનિક મહિલાઓને પ્રસૂતિમાં દર્દીઓને મોતને ભેટવું પડે છે. સ્થાનિક જનતા આ મુદ્દે રેલી યોજી હતી. તેમ જ હોસ્પિટલ સંચાલક અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જો હોસ્પિટલમાં 15 દિવસમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો આંદોલન સહિત હોસ્પિટલને તાળાબંધી કાર્યક્રમની ચીમકી અપાઇ છે.