અંબાજી- અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ત્રીજા દિવસે 4.70 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કર્યાં છે. બીજી તરફ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 4.47 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. મેળાના ત્રીજા દિવસે મંદિરનાં ભંડારામાં ૭૫ લાખ રૂપિયાથી પણ વધુની આવક થઈ છે. ઉપરાંત, આજે ૧૦૭૦ સંઘોએ માતાજીને નેજા ચઢાવી હતી.
ઉલ્લેખનીય છે કે, મેળો હોવાથી રસ્તા પર પણ બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગૂંજી રહ્યા છે. ત્યારે આગામી 25 સપ્ટેમ્બર સુધી ચાલનારા મેળામાં હજુ પણ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શયતા છે. જેના પગલે યાત્રાધામ અંબાજીમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
અંબાજી મંદિરમાં આજે બોમ્બ ડિટેક્ટીવ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મંદિર પરીસર સહિતના વિસ્તારોમાં અદ્યતન સાધનોની મદદથી તપાસ કરાઇ હતી. અંબાજી મંદિર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતુ હોઇ સુરક્ષાને લઈને વધુ ધ્યાન રખાશે તેમ બીડીડીએસનાં પી.એસ.આઇએ જણાવ્યું હતું.
અહેવાલ-ચિરાગ અગ્રવાલ