ઘરે બેઠાં ગુજરાતની ચિત્ર-સફર

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનાની સર્જાયેલી મહામારીને પરિણામે દુનિયા આખી ઘરમાં બેઠી હોય ત્યારે આપણને કોઇ પ્રવાસન સ્થળો બતાવવાની વાત કરે તો? નવાઇ લાગે, પણ ગાંધીનગરમાં રહેતી આ યુવતીએ નક્કી કર્યું છે બધાને ગુજરાત દેખાડવાનું.  અલબત્ત, ઇ-રસ્તે થી જ!

વાત છે ગાંધીનગરમાં રહેતી નીકી કથિરીયાની. લોકડાઉનના આ સમયમાં બધા લોકો અત્યારે ઘરમાં કાંઇક ને કાંઇક પ્રવૃત્તિ કરી રહયા છે ત્યારે નીકીને પણ કાંઇક પ્રવૃત્તિ કરવાનું મન થયું. પેન્ટીંગ્સનો એને બાળપણથી જ શોખ એટલે લોકડાઉનમાં રંગ અને પીંછી પકડયા. એ પોતે વળી પ્રોફેશનલી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ સાથે સંકળાયેલી એટલે એને થયું કે શા માટે પ્રવાસનને લગતું કાંઇ ન કરી શકાય?

નીકી ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, ‘અત્યારે બધાને ઘરમાં જ રહેવાની ફરજ પડી છે ત્યારે લોકો ઘરે બેઠાં જ સરસ મજાના પ્રવાસનો અનુભવ કરી શકે તે માટે મને આ વિચાર આવ્યો. ગુજરાતના સરસ મજાના પ્રવાસન સ્થળોની સફર હું પેઇન્ટિંગ્સ દ્વારા કરાવીશ અને લોકડાઉનનાં સમયમાં હું બધાને ગુજરાતનાં અદભુત સ્થળોની સેર કરાવીશ.

 

આ પેન્ટીંગ સિરીઝ શરૂ કરવાનો ઉદ્દેશ વધુને વધુ લોકો ગુજરાત અને ગુજરાતમાં આવેલા અનેક પ્રવાસન ક્ષેત્રોને માણી શકે એ છે.’

એનું જન્મસ્થળ જૂનાગઢ હોવાથી સિરીઝની શરૂઆત જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક સ્મારક મહાબત ખાનના મકબરાથી કરી. બીજું પેઈન્ટિંગ બનાવ્યું ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા ખાતે આવેલા સુપ્રસિધ્ધ ‘ઈડરિયા ગઢ’નું. એ પછી સુરત ખાતે આવેલા ઐતિહાસિક ઈંગ્લિશ ટોમ્બનું પેન્ટીંગ પણ બનાવ્યું. મોઢેરાનું સૂર્ય મંદિરનું પેન્ટીંગ પણ બનાવ્યું. ઈંગ્લિશ ટોમ્બમાં એક વિદેશી મહિલા પ્રવાસીને દર્શાવીને નીકી કહેવા માગે છે કે ગુજરાત

એકલા પ્રવાસ કરતી મહિલાઓ માટે સેફ છે

હવે પછી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ અને રણોત્સવ જેવા સ્થળો પણ કેનવાસ પર જીવંત કરવાનો પ્રયત્ન કરશે.

એ કહે છેઃ ‘આ એક કેમ્પેઈન છે. એ પૂરૂં થયા પછી એ એનું એક્ઝિબિશન પણ યોજવા માગે છે અને એમાંથી જે ફંડ એકત્ર થશે એ મુખ્યમંત્રી અને વડા પ્રધાનના રાહતફંડમાં ડોનેટ કરવા માગે છે.’