નડીયાદઃ કોરોના વાયરસના કહેર વચ્ચે લોક ડાઉનની પરિસ્થિતિમાં આખે આખા એક તાલુકાના ગામો સ્વેચ્છાએ લોકડાઉન અપનાવે એવુ શક્ય બને ખરું? પ્રથમ તો જવાબ છે ના.દેશવ્યાપી લોક ડાઉનની આજે ઠેર ઠેર નાગરિકો દ્વારા લોક ડાઉન ભંગની ફરિયાદો પોલીસને મળી રહી છે. પરંતુ દરબાર ગોપાલદાસની હવેલી તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવા વસો તાલુકાના તમામ ૧૩ ગામોએ સ્વૈચ્છાએ લોક ડાઉન સ્વીકારી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે.
હજુ ઘણા લોકો લોકડાઉનની આ બાબતને ગંભીરતાથી નથી લેતા અને પ્રશાસન અને પોલિસ અધિકારીઓ,આરોગ્ય કર્મચારીઓનું કામ વધારી દે છે. વસો પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગીરીરાજસિંહ પરમારે આમાથી સરળ રસ્તો શોધ્યો. પોલીસની સાથે સાથે ગામના આગેવાનો અને સરપંચની સાથે ગામની સુરક્ષામાં પોલીસ સાથે પીપીપી મોડની થિયરી અપનાવી ગામના યુવાનોને ભાગીદાર થવા કહ્યું. કોરોના વાયરસ સામે ગામની સુરક્ષાને પ્રાધાન્ય આપતા સરપંચો અને ગામ આગેવાનોએ આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાયો.
વસો પોલિસ સ્ટેશન હસ્તકના વસો તાલુકાના ૧૩ ગામોના યુવાનોએ પોતાના ગામડાના પ્રજાજનો સુરક્ષિત રહે તે માટેની જવાબદારી ઉપાડી લીધી અને પોલીસને આ કામમાં સહભાગી બન્યા. તેઓ ૨૪ કલાક શિફટ પ્રમાણે ગામમાં પ્રવેશવાના માર્ગ પર રખેવાળી કરી રહયા છે. ગામમાં પ્રવેશવાના માર્ગોને પણ આડસો મૂકીને બંધ કરી દેવામાં આવી છે.
લોક સહયોગથી કોરોના સામે સુરક્ષિત રહેવાના વસો તાલુકાના સરપંચોના અભિગમને આવકારતા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્રએ જણાવ્યું કે લોક ડાઉનમાં જનતાનો સહયોગ જરૂરી છે. જો નાગરિકો પોલીસને સહયોગ કરે તો લોકભાગીદારીથી કોરોના જેવી મહામારીને અટકાવી શકાય તેમ છે. વસો તાલુકાની જેમ ખેડા જિલ્લાના અન્ય તાલુકાના ગામો સમરસ લોક ડાઉન અપનાવે તો કોરોના સંક્રમણને અટકાવવામાં ખૂબ જ સફળતા મળશે.
વસો ગામના અગ્રણી જીતુભાઇએ જણાવ્યું હતું કે, વસો તાલુકાના વસો, પીજ, ગંગાપુર, રામપુર, બામરોલી, ટુંડેલ, દેગામ, ઝારોલ, વલેટવા, પલાણા, મિત્રાલ, દંતાલી અને દાવડા ગામમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી અન્ય ગામમાંથી ગામના યુવાનોની મંજૂરી વગર કોઇ પ્રવેશી શકતું નથી.
ગ્રામજનોની આવશ્યક સેવાઓ તથા શાકભાજી, દૂધ માટે અન્ય ગામમાંથી આવતા નાગરીકો/વેપારીઓને પણ ગામની બહાર સેનેટાઇઝ કરીને જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે તથા જો વધુ જરૂરી ના હોય તો અન્ય ગામની વ્યકિત અમારા ગામમાં જેને મળવા માંગતી હોય તે વ્યકિતને ગામમાં આવવાના માર્ગ પર બોલાવી મુલાકાત કરાવાય છે. આમ,જરૂરી કામ સિવાય કોઇપણ વ્યકિતને ગામમાં પ્રવેશ આપવામાં નથી આવતો.
આ પ્રયોગના કારણે પોલિસ કર્મીઓ પર કામનું ભારણ ઓછું થયું છે તથા ગ્રામજનો પોતાના સ્વાસ્થ્યની દેખરેખ રાખતા થાય છે.