જામનગર: ગુજરાતનો પ્રસિદ્ધ અગ્રોખાદ્ય પદાર્થ અજમો હવે ખેડૂતો માટે ખુશીની ખબર બની રહ્યો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે અજમાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગઈકાલની સરખામણીએ આજે 1000-1200 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો, જેથી ખેડૂતોને આજે 5,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ મેળવ્યા.
જામનગરનું હાપા યાર્ડ દેશભરમાં અજમાની ખરીદી માટે જાણીતા યાર્ડમાં સ્થાન ધરાવે છે. અહીં અનેક વેપારીઓ મોટી માત્રામાં ખરીદી કરવા આવતા હોય છે, જેનાથી ખેડૂતોને અન્ય યાર્ડની સરખામણીએ સારા ભાવ મળતા હોય છે. ગત અઠવાડિયાના ભાવ પર નજર કરીએ, તો 5 માર્ચે અજમાના 1,400 થી 4,440 રૂપિયા હતા. જે 6 માર્ચે 1,800 થી 3,950 રૂપિયા પર પહોંચ્યા. જે બાદ 7 માર્ચે 1,500 થી 3,780 રૂપિયાના સોદા નોંધાયા હતા. જેની સામે આજે અજમાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અજમાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી લહેર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે પાછલા પાંચ દિવસમાં આજે સૌથી સારા ભાવ બોલાયા હતા. આ તેજીના કારણે આજના દિવસે હાપા યાર્ડમાં ખેડૂતોએ મજબૂત ભાવ મેળવતા, તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. જો બજારમાં આવું જ વલણ ચાલુ રહે, તો ખેડૂતોને આગામી દિવસોમાં પણ સારા ભાવ મળવાની શક્યતા છે.
