અમદાવાદઃ દેશની અગ્રગણ્ય એરલાઈન અને સ્ટાર અલાયન્સની સભ્ય એર ઈન્ડિયાએ અમદાવાદ અને બ્રિટનના બીજા નંબરના મોટા એરપોર્ટ લંડન ગેટવિક વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ્સનો આજથી શુભારંભ કર્યો છે. કેન્દ્રના સિવિલ એવિએશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વર્ચ્યુઅલ સમારોહમાં આ ઉદઘાટક ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. એ પ્રસંગે સિવિલ એવિએશન વિભાગના સેક્રેટરી રાજીવ બંસલ અને એર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ કેમ્પબેલ વિલ્સન ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે વરિષ્ઠ એક્ઝિક્યૂટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર સૌજન્યઃ @Gatwick_Airport)
આ ફલાઈટ (AI-171) અમદાવાદથી સવારે 11.50 વાગ્યે ઉપડી હતી અને લંડન ગેટવિક ખાતે તેના પહોંચવાનો સમય સાંજે 4.40 (સ્થાનિક સમય) હતો.
સિંધિયાએ આ પ્રસંગે કહ્યું, દેશની મુખ્ય એરલાઈન એર ઈન્ડિયાએ અમદાવાદ અને લંડન ગેટવિક વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરી છે ત્યારે આજનો દિવસ અમદાવાદ અને ગુજરાત માટે મહત્ત્વનો છે.
કેમ્પબેલ વિલ્સને કહ્યું, અમદાવાદ અને લંડન ગેટવિક વચ્ચે સેવા શરૂ કરવાથી અમે બેહદ આનંદનો અનુભવ કરીએ છીએ. આ સેવાથી ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપાર અને પર્યટનનો વધુ બળ પ્રાપ્ત થશે.
બ્રિટનમાં અંદાજે 8 લાખ જેટલા ગુજરાતીઓ વસે છે. ગુજરાતીઓની આટલી મોટી સંખ્યા ભારત બહાર દુનિયામાં બીજા કોઈ દેશમાં નથી. એર ઈન્ડિયા હવે ભારત અને બ્રિટન વચ્ચે દર સપ્તાહે 49 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.
