અમદાવાદના શાહીબાગનો અંડરપાસ બંધ રહેશે

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ અંડરપાસ પરથી પસાર થતા રેલવે ટ્રેક નીચે લગાવવામાં આવેલી પ્લેટો જર્જરીત સ્થિતિમાં હોવાથી તેના રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન આગામી 18મી સપ્ટેમ્બર સુધી આ અંડરપાસથી રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહશે. આ અંડરપાસ બંધ રહવાથી લોકોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે.

શહેર ટ્રાફિકના જોઇન્ટ પોલીસ કમિશનર એમ એન ચૌધરીએ એક નોટીફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે પશ્વિમ રેલવેની મુખ્ય લાઇન શાહીબાગ અંડરપાસ પરથી પસાર થાય છે. જેમાં અંડરપાસમાં ટ્રેક નીચે લગાવવામાં આવેલી લોંખડની પ્લેટો જર્જરિત હાલતમાં હોવાથી તેના રીપેરની કામગીરી 5 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાનમાં રાતના 12 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી અંડરબ્રીજ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.