અમદાવાદ આવ્યું રોગચાળાની ઝપેટમાં, 23 દિવસમાં 6000થી વધુ તાવના કેસ નોંધાયા

અમદાવાદ: રાજ્યમાં મચ્છરજન્ય બીમારીમાં સતત વધારો નોંધઈ રહ્યો છે. આ ઉપરાંત તાવના કેસમાં દિવસને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. સૂત્રોના આંકડા પ્રમાણે સપ્ટેમ્બરના 23 દિવસમાં સખત તાવને કારણે 6000થી વઘુ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે. આમ, પ્રતિ દિવસે 370 જ્યારે પ્રતિ કલાકે 16 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.

ગુજરાતમાં વધતી બીમારીના આંકડાએ લોકોને ચિંતિત કરી દીધા છે. મળતી માહિતી અનુસાર 2023માં સપ્ટેમ્બર 23 દિવસમાં સખત તાવને કારણે 6893 વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જેની સરખામણીએ આ વખતે સખત તાવની સમસ્યા ધરાવતા દર્દીમાં 23.36 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરના 23 દિવસમાં અમદાવાદ જિલ્લામાં 2424, સુરતમાં 969, રાજકોટમાં 432 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 105 વ્યક્તિને સખત તાવની સમસ્યાને કારણે ‘108’ની મદદ લેવી પડી છે.  બીજી તરફ જુલાઇ-ઓગસ્ટ મહિનામાં સખત તાવના 14945 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 23348 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં ખસેડાયા છે. જુલાઇ-ઓગસ્ટ દરમિયાન અમદાવાદ જિલ્લામાં 3842 કેસ નોંધાયા હતા. ગત વર્ષે જુલાઇ-ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સખત તાવને કારણે 12987ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.