અમદાવાદ: ગુજરાતમાં વધતા ડ્રગ્સના દુષણ સામે SOG સતત કાર્યરત રહે છે. પાછલા ઘણા સમયથી રાજ્યમાંથી ડ્રગ્સ પકડાવું જાણે સામાન્ય વાત બની ગઈ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા ગુરુવારે સાંજે ફરી એક વખત આસ્ટોડિયા બગીચા નજીક એક યુવાનને 1.81 લાખની કિંમતોના 18 ગ્રામ MD ડ્ર્ગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે યુસુફ પઠાણ (જમાલપુર, અમદાવાદ)ને ડ્રગ્સની લત હોવાથી તેણે વેચાણ શરૂ કર્યું હતું.
એસઓજીના ઇન્સ્પેક્ટર N.D. નકુમ અને તેમની ટીમને ગુપ્ત બાતમી મળી કે આસ્ટોડિયા વિસ્તારમાં યુવક એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી યુસુફ પઠાણને ઝડપી લીધો અને તેની પાસેથી ₹1.81 લાખની કિંમતના 18 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કર્યો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે યુસુફ પઠાણ જુહાપુરામાં રહેતા મોહસીન પઠાણ પાસેથી એમ.ડી. ડ્રગ્સ લાવી વેચતો હતો. તેને પણ ડ્રગ્સની લત હતી, જેથી ખર્ચ કાઠવા માટે વેચાણ શરૂ કર્યું. પોલીસે યુસુફના ગ્રાહકો અને અન્ય સંડોવાયેલા લોકોની માહિતી એકત્ર કરવા તપાસ શરૂ કરી છે. અગાઉ પણ યુસુફ પઠાણ ડ્રગ્સ વેચાણમાં સામેલ હતો, અને હવે વધુ કડીઓ ખૂલવાની શક્યતા છે.
