અમદાવાદ: કાવ્ય સમૃદ્ધિના ઉદાત્ત અનુભવ માટે જીવનના અનુભવોનો નીચોડ સર્જનકળામાં કંઇક જુદો નિતાર અર્પણ કરતો હોય છે એ વાત સાચી, તેમ છતાં ક્યારેક સહજ પ્રતિભાના બળે કાવ્યોદાત્ત સર્જન સામે આવે તે કાવ્યરસિકો માટે સંતર્પક અનુભવ કરાવનાર હોય છે. વીસ વર્ષી શલાકા શકુંત આપ્ટે લિખિત પ્રથમ કાવ્ય સંગ્રહ ‘Frozen Words’ નો અનુભવ આવો નીવડી શકે છે. ફ્રોઝન વર્ડઝ કાવ્યસંગ્રહનો વિમોચન સમારંભ અમદાવાદમાં યોજાયો હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાવ્યસંગ્રહનું વિમોચન માયથોલોજીકલ નવલકથાકાર અને જાણીતા લેખક અમિષ ત્રિપાઠી, ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ, લેખક અને ગુજરાતી ભાષાના પુરસ્કર્તા તુષાર શુક્લ, અને એસએલએસ, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ડિરેકટર પ્રો. ડો. નિગમ દવે તેમ જ અર્થ શાસ્ત્રી જયનારાયણ વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું . પુસ્તક વિમોચન સમારોહને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. શલાકા શકુંત આપ્ટે 20 વર્ષનાં છે અને અમદાવાદમાં તેમના પરિવાર સાથે રહે છે. હાલમાં તે અગ્રેજી સાહિત્યમાં પૂર્વ સ્નાતક અભ્યાસ કરી રહ્યાં છે. નાની વયથી જ શલાકા ભાષા પ્રભાવથી મુગ્ધ રહ્યાં છે અને પોતાનુ જીવન ભાષા અભ્યાસમાં વ્યતીત કરવાની ઈચ્છા ધરાવે છે. તેમણે પોતાની પ્રથમ કવિતા 13 વર્ષની ઉંમરે લખી હતી અને એ પછી તેમણે પાછા વળીને જોયું નથી.