અમદાવાદ- લોકસભા સામાન્ય ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકો પર મતદાન થવાને હલે ગણતરીના કલાકો શરુ થઈ ચૂક્યાં છે.૨૩ એપ્રિલે યોજાનાર મતદાન માટે રવિવાર સાંજથી પ્રચાર પડઘમ પણ શાંત થશે ત્યારે અમદાવાદ જિલ્લાની બેઠકો માટે જિલ્લા ચૂંટણી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે અને શાંતિપૂર્ણ, સરળતાથી અને સંપૂર્ણ મતદાન થાય તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણીતંત્ર તૈયાર છે એમ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું.
તેમણે જણાવ્યું કે, લોકસભાની આ ચૂંટણી સમયે મતદારોને ગરમીમાં લાઇનમાં ઉભા રહેવું ન પડે તે માટે પીવાનું પાણી, પ્રતીક્ષા કક્ષ, મંડપ સાથે જરૂર પડે તો મેડીકલ ટીમ જેવી લઘુતમ સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લાના કુલ ૫૪,૯૫,૮૫૯ મતદારો માટે કુલ ૫૬૨૭ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સાથો સાથ દરેક બુથ પર અર્બન હેલ્થ સેન્ટર, આઇ.સી.યુ.ઓન વ્હિલ્સ, ૧૦૮ તેમજ મેડિકલ ટીમો રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે. સરળ ચૂંટણી પ્રક્રિયા માટે ૨૩,૦૦૦ ઇ.વી.એમ. તથા ૨૬,૦૦૦ કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવી છે જેઓને જરુરી તાલીમ આપવામાં આવી છે.
પાંડેએ જણાવ્યું કે, લોકસભાની આ ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં ૧,૨૧,૨૫૧ જેટલા ૧૮ થી ૧૯ વર્ષની વયના યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. સાથોસાથ મહિલાઓ દ્વારા સંચાલિત ૧૦૫ સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે તેમજ ૨૧ મતદાન મથકો દિવ્યાંગજન દ્વારા સંચાલિત હશે. જિલ્લાના ૧૬૩૭૫ દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધા તથા ૭૧૬ અશક્ત મતદારો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા કરવામાં આવી છે. દરેક મતદાન મથકે મતદાન મથકની માહિતી, ઓળખના માન્ય પુરાવાઓની યાદી, કઈ રીતે મતદાન કરવું તેની માહિતી તથા અન્ય જરૂરી સૂચનાઓ પોસ્ટર દ્વારા મૂકવામાં આવશે.
જિલ્લા ચુંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ વખતની ફોટો વોટર સ્લીપ પણ ખાસ બનાવવામાં આવી છે જેમાં ફોટોગ્રાફ મોટા કરવામં આવ્યા છે તથા બી.એલ.ઓનો મોબાઇલ નંબર તથા મતદાન મથકનો ગૂગલ મેપ પાછળના ભાગે છાપવામાં આવ્યા છે. મતદાન સંબંધિત જાણકારીની કુલ ૧૯,૫૦,૦૦૦ મતદાતા માર્ગદર્શક પુસ્તિકા મુદ્રિત કરી ૧૨લાખ જેટલી પુસ્તિકાનું બી.એલ.ઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યુ છે.
જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતાના પાલનની વિગતો આપતાં જણાવ્યું કે, સમાધાન, સુવિધા અને સુગમ નામની ત્રણ એપ્લિકેશનો રાખવામાં આવી છે. જેના દ્વારા ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં ૨૪૧ એમ.સી.સી. ટીમ, ૬૩ ફ્લાઈંગ સ્કવોડ, ૬ સ્ટેટિક સર્વેલન્સ ટીમ ૭ આઈકર વિભાગની ટીમ તથા ૮૪ ચેકપોસ્ટ કાર્યરત છે. આ ટીમો દ્વારા કુલ ૫૬ હજાર થી વધારે વાહનોની તપાસ, બે કરોડ ૯૦ લાખ જેટલી રોકડ જપ્તી, ૧ કરોડ ૩૫ લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ૩૭૮૮ પરવાનાવાળા હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા ૬૦૪૯૧ ઈસમોની આગોતરી અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે જાહેર સ્થળોએ લગાવેલા ૩૮,૨૫૨ રાજકીય સૂત્ર-જાહેરાતો હટાવવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ચુંટણી સંબંધિત ફરિયાદ નિવારણ વ્યવસ્થાના ભાગરૂપે C-Vigil એપ્લીકેશન, NGRS, CPGRAMS તથા PG પોર્ટલ પરથી મળેલ ફરીયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ૧૯૫૦ હેલ્પલાઇન પર ૯૩૬૬ ફરિયાદો આવી હતી જેનો નિકાલ કરવામાં આવ્યો છે. સી-વિજિલ પર ૬૪૬ ફરિયાદો આવી હતી જેમાંથી ૬૦૧ ફરિયાદો સાચી હતી જેમાંથી ૫૬૮ એટલે કે, ૯૪ ટકા ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. હવે કોઇ ફરિયાદ પેન્ડિંગ નથી. ચૂંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે મતદાનના છેલ્લા ૭૨ કલાકમાં વધારાની ૩૦ ફ્લાઇંગ સ્ક્વોડ તથા ૩૦ સ્ટેટિક સર્વેલન્સ ટીમ તહેનાત કરવામાં આવશે.
મતદાતા જાગૃતિ માટે કાર્યક્રમ સ્વિપ- SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત વિવિધ રચનાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે. જિલ્લાના શતાયુ મતદારોનું સન્માન, સાડા ત્રણ લાખ મતદાર જાગૃતિ સ્ટીકર, એક જ દિનમાં સાત હજાર જેટલા નવા યુવા મતદારોની નોંધણી તથા મહિલા અને દિવ્યાંગ મતદારોની જાગૃતિ માટેના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.