અમદાવાદઃ શહેરના સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના ડીસીપી ડૉ.રાજદીપસિંહ ઝાલાને દિલ્હી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા ઇ-રક્ષા અવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (સીસીટીએનએસ) હેકાથોન અને સાઇબર ક્રાઇમ ચેલેન્જ – ૨૦૨૦ અંતર્ગત સીસીટીએનએસ આઇડિયાથોન અને ઇ-રક્ષા અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇ-રક્ષા અવોર્ડમાં અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના ડીસીપી ડૉ.રાજદીપસિંહ ઝાલાને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ અવોર્ડ તેમને તેમના ઇન્કમ ટેક્સ ફ્રોડ અને આઇઆરયુ ઉપરના કાર્યો માટે આપવામાં આવ્યો છે. દિલ્હી ખાતે ૧૨ માર્ચના રોજ યોજાયેલા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો ૩૫માં સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમમાં ડીસીપી ડૉ.રાજદીપસિંહ ઝાલાને ઇ-રક્ષા અવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.