અમદાવાદ: આજે 22 એપ્રિલે દેશ-વિદેશમાં ફેલાયેલા લાખ્ખો ગુજરાતીઓનું લાડકું ચિત્રલેખા 70 વર્ષ પૂર્ણ કરીને 71માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. અનેક સંઘર્ષ પછી ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે અવનવી સિદ્ધિનાં અનેક શિખર ચિત્રલેખાએ સર કર્યા છે.
ચિત્રલેખાના 70 વર્ષ પૂર્ણ થવાના આ અનેરા અવસરે અમદાવાદમાં રહેતા 17 વર્ષના જશપ્રીત ઠક્કરે (પ્રીત તેમના પિતાનું નામ છે) ચિત્રલેખાના સંસ્થાપક વજુ કોટકનો એક સુંદર સ્કેચ બનાવીને એક વાચક તરીકે પોતાનો ચિત્રલેખા અને વજુ કોટક પ્રત્યેનો આદર અને સ્નેહ વ્યક્ત કર્યો છે.
વજુભાઈનો આ સ્કેચ બનાવવાનો વિચાર જશને કયાંથી આવ્યો એ અંગે વાત કરતા તેમના પિતા પ્રીત ઠક્કર ચિત્રલેખા.કોમ ને કહે છે, જશે વિશ્વના 19 લીડર્સ-વ્યક્તિત્વના સ્કેચ બનાવ્યા છે. એ પછી એને વિચાર આવ્યો લીજેન્ડ લેખકોના સ્કેચ બનાવવાનો. દેખીતી રીતે જ વર્ષોથી ચિત્રલેખાના વાચક હોવાના કારણે પહેલો વિચાર વજુભાઇનો સ્કેચ બનાવવાનો જ આવે.
જશનો આ વજુ કોટકનું સ્કેચ બનાવવા પાછળનો શોખ આમ તો તેના પિતાને કારણે છે. પ્રીતભાઈ કહે છે, મેં નાનપણથી જો કોઈ મેગેઝિન વાંચ્યું હોય તો એ છે ચિત્રલેખા. અને લિટરેચર, બોલીવુડ, પત્રકારત્વ એમ તમામ ક્ષેત્રોમાં મલ્ટીપર્સનાલિટી તરીકે એમનું યોગદાન અસાધારણ છે એટલે એમનો સ્કેચ બનાવવાનો વિચાર કર્યો અને એમાં ચિત્રલેખાની વર્ષગાંઠ આવી એટલે એનાથી વધારે સારો સમય ક્યો હોઇ શકે?
ઉલ્લેખનીય છે કે, જશ 7 વર્ષનો હતો ત્યારથી આ પ્રકારના આર્ટવર્ક બનાવે છે. જશે કોઈની પાસે ટ્રેનિંગ પણ લીધી નથી. 10 ધોરણ પાસ કરીને જશ હાલ પિતાની એડવર્ટાઈઝિંગ એજન્સીમાં જ ઈન્ટર્નશિપ કરી રહ્યો છે. જશ પોતાના દરેક સ્કેચમાં જશપ્રીત તરીકે પોતાની ઓળખ આપે છે.