કોરોનાના સમાચારોથી દૂર રહેવા સમાચારોથી જ દૂર

“કોરોના…”

આ શબ્દ જ આ સમયનો સૌથી વધુ ભયાનક શબ્દ પૂરવાર થયો છે અને આ વાયરસે તેની ભયાનકતા પણ પૂરવાર કરી દીધી છે. આજે કોઈ પણ અખબાર જૂઓ કે ટીવી ચેનલ, સમાચારો “ કોરોના” સંબંધિત જ હોય છે.

જો કે મિડીયાનું તો આ કામ જ છે એટલે એમાં કાઇ ખોટું નથી, પણ આ બધા સમાચાર જોઈ-સાંભળી કે વાંચીને માનસપટ પર ખોટા વિચારો છવાઈ જવા કે સતત એ જ વિચારોથી દિલ-દિમાગ પર આ જ બધી બાબતો છવાઈ જવી જેવી ઘટના પણ હવે બનવા લાગી છે. મોટાભાગના લોકો “મને કોરોના તો નહી થાય ને…?’ આવી માનસિકતાથી પીડાવા માંડ્યા છે.

જાણીને નવાઇ લાગશે, પણ કેટલાક લોકોએ તો તેના ઈલાજ રૂપે સમાચારથી જ દૂર રહેવાનું વલણ પણ અપનાવ્યું છે.

અમદાવાદના વિકાસગૃહ વિસ્તારમાં રહેતા ૮૪ વર્ષીય દર્શનાબેન ઑઝા કહે છેકે, “ હું રાતે ૯ કલાકના સમાચાર હજોયા પછી જ સુવા જવાનું એવો નિત્ય ક્રમ હતો… શરુઆતમાં કોરોનાને લગતા સમાચારો જોયા પણ ખરા… પણ ધીમે ધીમે એવું લાગવા માંડ્યું કે સતત આ જ પ્રકારના સમાચારો જોવાથી મારા મગજ પર એક પ્રકારનો ભાર રહેવા લાગ્યો.. પછે તો ઘરમાંઠી કોઈ નહાર જાય તો પણ સતત ચિંતા રહેતી કે કંઈ થઈ તો નહી જાય ને…? બસ પછી તો સમાચાર જોવાનું છોડી જ દીધુ!

એસ. જી. હાઈવે પર રહેતા ભાવેશભાઈ આમ તો મેનેજમેન્ટ એક્સપર્ટ છે અને મેનેજમેન્ટના અને પોઝીટીવીટીના લેક્ચર આપવા પણ જાય છે. એ કહે છે, “ આમ તો આપણે સમાચારોથી દૂર રહી જ ન શકીએ. આ રોગની ભાયનકતા પણ સમાચારોના માધ્યમથી જ જાણી શકાઈ છે, પરંતુ હવે એવું લાગે છે કે મોટાભાગનું જાણી લીધુ છે એટલે હવે ક્રમશ: સમાચારોથી દૂર રહેવાનું શરુ કર્યું છે. કારણ મગજમાં સતત કોરૌના ઘુમરાયા કરે છે. મારો દીકરો અમેરિકા રહે છે. શરૂઆતના દિવસોમાં તો દિવસમાં બે વાર એને ફોન કરીને ખબર અંતર પુછતો હતો. એ પણ હવે કહેવા લાગ્યો છે કે મારી બહું ચિંતા ન કરો. તમે લોકો સાચવજો.

ઘોડાસર વિસ્તારમાં રહેતા વાલ્મિક જાની કહે છે કે…” આમ તો હું લાફીંગ ક્લબ ચલાવું છું. એટલે અમે તો નિયમિત સવારે ૬ કલાકે આવકાર હોલમાં ભેગા થતા હતા, અત્યારે એ બધુ બંધ છે.. કારણ કે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું પણ એટલુ જ જરૂરી છે… અમારા મોટાભાગના સભ્યો તો નિવૃત જીવન ગાળે છે એટલે સમય પસાર કરવા માટે અમારે મન સમાચારો તો સૌથી મહત્વનું માધ્યમ છે પણ એમ છતા ય અમારામાંથી મોટાભાગનાએ કોરોનાના સમાચારોથી અંતર જાળવવાનું મુનાસિબ માન્યું છે…એટલું જ નહી પરંતુ ટેલિફોન પર વાત કરીએ છીએ ત્યારે આ સંદર્ભની કોઈ વાત ન થાય તેની તકેદારી રાખીએ છીએ. હવે જો આપણે કોરોના કોરોના કરીશું તો નહીં હોય તો માનસિક એવો ભ્રમ મગજમાં પેસી જશે. માટે જે થઈ ગયું છે તેની સામે ન જૂઓ. બસ, પોઝીટિવ વિચારોમાં રહો,…”

ઇસનપુર વિસ્તારમાં રહેતા જીગ્નેશ પંડ્યા જુદી વાત કરે છે…લોકડાઉંન પ્રક્રિયા ને લગભગ એક મહિનો થયો, આપણે ઘર મા રહ્યા સોશિયલ મિડિયામાં કોરોના ને લગતી સાચી ખોટી માહિતીની આપ-લે કરી મજાક કે ગુસ્સાની અનુભૂતિ કરી ત્યારે મગજ એક સવાલ કરે છે કે હવે શુ? કોરોના કાલે મટી કે જતો નથી રહેવાનો તો આપણે એનાથી દૂર રહીને નવીન રીતે જીવન જીવવાનું શરુ કરવા શુ કરવુ જોઓ?

વૈષ્ણોદેવી સર્કલ પર રહેતા અનિલ જાની કહે છે કે, “ હું સ્વૈચ્છિક રીતે મારી સેવા સંસ્થા ચલાવું છુ. મારા વતન બાજુ અનેક જરૂરિયાત મંદ લોકો માટે મેડિકલ હેલ્પ, સાધન સહાય કેમ્પ, શૈક્ષણિક સાધનોનું વિતરણ કર્યું છે. એટલે મારી સેવા પ્રવૃત્તિનો વ્યાપ વધારવા માટે પણ મિડીયા મારા માટે અત્યંત મહત્વનું છે. પરંતુ કોરોનાનો ભય એટલો બધો વ્યાપી ગયો છે કે, મેં કોરોના વિષે કોઈની સાથે ચર્ચા પણ કરવાનું છોડી દીધુ છે.

અલબત્ત, આ બધા વચ્ચે કેટલીક હકારાત્મક બાબતો પણ મિડીયાએ અપનાવવા માંડી છે તેની પણ નોંધ લેવી ઘટે…. મિડીયા કોરોના સંબંધી સમાચારો બતાવે કે છાપે છે પરંતુ કોરોનાના દર્દી સાજા કેવી રીતે થયા…? તેમની કેવી સારવાર મળતી હતી?  હોસ્પિટાઈલેઝેશન દરમ્યાન તબીબો- મેડિકલ સ્ટાનો વ્યવહાર અને હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે જતા સમયે હોસ્પિટલ સ્ટાફ તરફથી અપાતી વિદાય અને ઘરે પહોંચે ત્યારે ફ્લેટ કે સોસાયટી તરફથી થતું અભિવાદન પણ મોટા ભાગના મિડીયાએ ખુબ સારી રીતે પ્રકાશિત કે પ્રસારિત કર્યું છે. હકારાત્મક સમાચારોને બહાર લાવવાની મિડીયાની આ ભૂમિકા કદાચ આગામી પેઢી પણ યાદ રાખશે…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]