રાજ્યમાં ‘આપ’ને માત્ર ત્રણ બેઠકો મળવાનો અંદાજઃ સર્વે

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે મહિનો રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષો રાજ્યમાં સત્તા કબજે કરવા માટે એડીચોટી જોર લગાવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી તારીખોની જાહેરાત સાથે એક ઓપિનિયન પોલમાં ભાજપને કુલ 119 સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આપ પાર્ટીને માત્ર ત્રણ સીટો મળશે, જ્યારે કોંગ્રેસને ફાળે 55થી-60 સીટો મળવાની વકી છે, એમ ઇન્ડિયા ટીવીએ જાહેર કરેલા ઓપિનિયન પોલમાં કહેવામાં આવ્યું છે.

ઇન્ડિયા ટીવીના પોલ અનુસાર ભાજપને સૌથી વધુ 52 ટકા મત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં 35 ટકા મત પડશે. આ સાથે આમ આદમી પાર્ટી જે જોરશોરથી ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરે છે, એને માત્ર નવ ટકાથી સંતોષ માનવો પડશે.

આ સાથે સી વોટરે ઓપિનિયન પોલ જારી કર્યો છે. સી વોટરના સર્વે મુજબ ભાજપે 131-139 સીટો જીતવાનું અનુમાન છે. જો આવું હોય તો આ ચૂંટણીમાં ભાજપનું સર્વ શ્રેષ્ઠ દેખાવ હશે. ભાજપે આ પહેલાં 2002માં મહત્તમ 127 સીટો મળી હતી. 2017માં 77 બેઠકો જીતવાવાળી કોંગ્રેસ 31-39 સીટો જીતે એવી શક્યતા છે. જ્યારે આપ બધી સીટો પર ચૂંટણી લડનાર આપ 7-15 સીટો હાંસલ કરે એવી શક્યતા છે. અન્યને બે સીટો મળવાની ધારણા છે.