અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં મધુરમ ફ્લેટના એક બ્લોકના મોટો અકસ્માત સર્જાયો છે. ફ્લેટના એક બ્લોકના દાદરાનો ભાગ ધરાશાયી થયો છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસ વિભાગ દોડતું થયું હતું. બ્લોકમાં રહેતા લોકોનું તાબડતોબ રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ વેજલપુરમાં જીવરાજ પાર્ક, HP પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મધુરમ ફ્લેટમાં દાદરાનો ભાગ એકા-એક ધરાશાયી થઈ ગયો હતો. દાદરા પડવાનો અવાજ આવતાની સાથે જ નજીકમાં રહેલા લોકો પણ સ્થળે પહોંચી ગયા હતાં. જે બાદ તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરની એકથી બે ગાડી અને એમ્બ્યુલન્સ પણ સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 4 માળના રહીશો અંદર ફસાયા હતાં. ફાયર વિભાગની ટીમ દ્વારા ઉપરના માળે ફસાયેલા લોકોનું સ્નોરકેલની મદદથી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકોના કમરના ભારે દોરડું બાંધી સીડીની મદદથી ધીરેધીરે નીચે ઉતારવામાં આવ્યા હતાં. ગણતરીની કલાકોમાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમે 26 લોકોનું સલામત રેસ્ક્યૂ કરી લીધુ હતું. વહેલી સવારની ઘટના અને લોકો સૂઈ રહ્યાં હોવાથી મોટી દુર્ઘટના બનતા રહી છે. આ સાથે જ બિલ્ડિંગ પણ જર્જરીત હોય તેવું જણાઈ રહ્યું છે.