અમદાવાદ– શહેરનો તમામ દિશાઓમાં ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. શહેરમાં વિકાસની સાથે એટલી જ ગતિમાં સમસ્યાઓ પ્રવેશી રહી છે. સ્વચ્છતાની સતત જાહેરાતો સાથે ઝૂંબેશને પ્રાધાન્ય આપતી સરકાર માટે કચરાનો નિકાલ કરવો એ વિકરાળ સમસ્યા બનતી જાય છે. જેથી સત્તા પર બેઠેલા તેમજ એમની આજુબાજુ ફરતા કેટલાક સ્વાર્થી લોકો ઉતાવળે ખોટા નિર્ણયો લઇ લેતા હોય છે.
અમદાવાદમાં ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા ઝૂંબેશના ઘણા બધા કાર્યક્રમોની ઉજવણી દુનિયાભરમાં થઇ.. જેના ભાગરુપે ગોદરેજ ગાર્ડન સિટી જે આખુંય નગર છે, એનો કચરો ઠાલવવા માટેનો વિશાળ શેડ રહેણાંક વિસ્તાર અને શાળાની બાજુમાં રાતોરાત તાંણી બાંધવામાં આવ્યો. દેવમ એપાર્ટમેન્ટ તેમ જ એની આજુબાજુના કેટલા રહીશો જ્યારે બગીચાની આ જગ્યામાં કામ ચાલતું હતુ અને વૃક્ષોનું નિકંદન નિકળતું હતું ત્યારે કામ સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે સતત જાણકારી મેળવવા પ્રયાસ કર્યો કે, આ જગ્યામાં શું થઇ રહ્યું છે..એ વેળાએ ખબર નથી એમ ઉડાઉ જવાબ આપવામાં આવ્યો. રાતોરાત મોટા ખર્ચ સાથે રહેણાંક વિસ્તારમાં બનેલા આ કચરાના શેડનું કેટલાક અધિકારીઓએ ઉદઘાટન પણ કરી નાંખ્યું.
શું આ અધિકારીઓને એટલો પણ વિચાર નહીં આવ્યો હોય કે બાજુમાં રહેણાંક અને શાળા છે..?
સ્વાઇન ફ્લ્યુ , ડેંગ્યુ, મલેરિયા, તાવની મોસમમાં લેવાયેલા આ ખોટા નિર્ણયોથી નજીકમાં જ આવેલા દેવમ એપાર્ટમેન્ટ તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત છે.
જગતપુરના આ વિસ્તારમાં જ્યાં સુંદર બગીચાને બદલે ગંદકીથી ભરપૂર સૂકા, ભીના, ચામડાનો, પ્લાસ્ટિક, કચરાને ઠાલવવા રાતોરાત ગોદરેજ સિટી અને અ.મ્યુ. કો એ હાથ મિલાવી શેડ ઉભો કરી દીધો છે.
પશ્ચિમ વિસ્તારની આ વિશાળ ગોદરેજ ગાર્ડન સિટી ટાઉનશીપમાં આયોજન વગર અન્ય લોકોની પરવા કર્યા વિના રહેણાંક વિસ્તારમાં કચરો ઠાલવવા આ શેડ તો બનાવ્યો, સાથે માવજત કરી બગીચા માટે ઉછેરીને મોટા કરેલા વૃક્ષ-છોડ પર બુલડોઝર ફરી જતાં સ્થાનિક પ્રજામાં ભારે રોષની લાગણી છે.
અહેવાલ- પ્રજ્ઞેશ વ્યાસ