ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ ત્રણ દિવસ ચાલનારી લોકસભા ચૂંટણી સમિતિ બેઠકમાં લોકસભાના નિરીક્ષકો અને જીલ્લા સંકલન સમિતિ સહિત મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારો અંગે ચર્ચા વિચારણાં થશે.
વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ અને ખેડા એમ, કુલ ૧૧ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
લોકસભાની ભાજપની ટીમે ગુજરાતમાં કોઈપણ ઉમેદવારને આપશો અમે જનતાનાં આશીર્વાદ, જનસમર્થન, જનમતથી ભાજપનાં ઉમેદવારને જીતાડીશું તેવો વિશ્વાસ ભાજપની ચૂંટણી સમિતિનાં આગેવાનોને આપ્યો હતો. નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે દેશ અને ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે ત્યારે, અમે સહુ રાષ્ટ્રવાદ, વિકાસ અને લોકસેવાનાં ચોકીદાર બનીને ભાજપનાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીશું, તેમ લોકસભા અને જીલ્લાની ટીમે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આજે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ, કુલ ૧૧ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે.
તો આવતીકાલે તારીખ ૧૯ માર્ચ, મંગળવારના રોજ બાકી રહેલ રાજકોટ, કચ્છ, પોરબંદર અને જુનાગઢ એમ, ૪ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ લોકસભા બેઠકદીઠ સંભવિત નામોની યાદી તૈયાર કરી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજુ કરશે.