શહેરમાં ગણેશની મૂર્તિઓનાં વિશાળ બજાર લાગ્યાં

અમદાવાદઃ શ્રાવણ મહિનો શરૂ થાય એટલે તહેવારો અને ઉત્સવો શરૂ થઈ જાય. દેવ દર્શન, તપ જપ અને ઉપવાસથી લોકો ભક્તિમય બની જાય છે. શ્રાવણ પૂરો થતાંની સાથે જ ગણેશોત્સવ શરૂ થઈ જાય. ભાદરવા સુદથી શરૂ થતા ગણેશોત્સવમાં શ્રદ્ધાળુઓ વિનાયકની મૂર્તિઓ ઘરમાં લાવી પૂજા-અર્ચના કરી ઉત્સાહભેર ઉજવણી કરે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદમાં અને ગામડાંઓમાં પણ શેરી, મહોલ્લા, સોસાયટીઓમાં સાર્વજનિક ગણેશોત્સવ ઊજવવાનો ટ્રેન્ડ મુંબઈ અને મહારાષ્ટ્રની જેમ વધતો જાય છે. જેને કારણે મૂર્તિઓ બનાવનારા કારીગરો પણ વધતા જાય છે. શહેરના ગુલબાઇ ટેકરા  વિસ્તારમાં  ગણપતિની મૂર્તિઓ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં ગણેશજીની  ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પણ બની રહી છે.

આ વર્ષે ગુલબાઈ ટેકરા વિસ્તાર, પાસપોર્ટ ઓફિસ, ગુજરાત યુનિવર્સિટી તરફ , ટેલિફોન એક્સચેન્જની ઓફિસ સુધી મૂર્તિઓ બની રહી છે. માટી અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વેચાઈ રહી છે.શહેરનો ચારે તરફ વિકાસ થતાં ગુલબાઈ ટેકરા ઉપરાંત, નારોલ, ન્યુ રાણીપ, રામદેવનગર અને આંબાવાડી જેવા અનેક વિસ્તારોમાં મૂર્તિઓ બનાવનારા અને વેચનારા વધતા જાય છે.

ગણેશોત્સવમાં લોકો નાની-મોટી સાઇઝનાં અને વિવિધ સ્વરૂપનાં ગણેશજીને ઘરે લાવી એક દિવસથી દશ દિવસ સુધી પૂજા-અર્ચના કરી ઉત્સવને ઊજવતા હોય છે. આ ઉત્સવની ઉજવણીનો પૂજાપો અને શણગારનો સામાનનું પણ એક વિશાળ બજાર ઊભું થતું જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)