ધોરણ 12 કોમર્સનું 86.91% પરિણામઃ 12 વર્ષમાં સૌથી ઊંચું

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધો. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા રહ્યું છે. રાજ્યમાં સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લો અગ્રેસર રહ્યો છે જેનું પરિણામ રાજ્યમાં સૌથી ઊંચું 95.41 ટકા રહ્યું છે. જ્યારે સૌથી ઓછું વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ રહ્યું છે.

છેલ્લાં 12 વર્ષની તુલનાએ વર્ષ 2010થી વર્ષ 2022ના સમયગાળામાં પરિણામની ટકાવારી જોઈએ તો વર્ષ 2022નું પરિણામ અગાઉનાં તમામ વર્ષો કરતાં વધારે નોંધાયું છે. વર્ષ 2010થી અત્યાર સુધીના પરિણામમાં હવે વર્ષ 2022ના પરિણામની ટકાવારીએ રેકોર્ડ સર્જ્યો છે.

ધો. 12 સામાન્ય પ્રવાહમાં આ વખતે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ 87.23 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 86.85 ટકા રહ્યું છે. વર્ષ 2019ની સરખામણીએ આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ 113.6 ટકા રહ્યું છે.

આ વખતે બોર્ડના સુબીર, છાપી,અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે. જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે. બોર્ડ તરફથી આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે આ વર્ષે આ પરીક્ષામાં 3,37,540 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 3,35,145 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 2,91,287 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 86.91% ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 32,143 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 30,014 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 13,641 ઉમેદવાર સફળ થયા છે. પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.45 % આવ્યું છે.

અમદાવાદ શહેરનું 79.87 ટકા અને ગ્રામ્યનું 81.92 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 106 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ગ્રામ્યમાં 101 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે.