અમદાવાદ- આગામી 5 વર્ષ એટલે કે 2019થી 2024 દરમિયાન પર્યાવરણ જાળવણી અને ક્લાઈમેટ ચેન્જ મેનેજમેન્ટ માટે 7000 કરોડના રોકાણ લક્ષ્ય સાથે અમદાવાદ મહાનગર પાલિકા અને વર્લ્ડ બેન્ક ગ્રુપના ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન (IFC) વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં MOU થયાં હતાં.
આ એમ.ઓ.યુ અંતર્ગત IFC અમદાવાદ શહેરને ક્લાઈમેટ ચેન્જથી થતી આડ અસરો તેમજ પ્રદૂષણ ઘટાડવા અંગેની સ્ટ્રેટેજી માટે મહાપાલિકાના નાણાકીય સ્ત્રોતનો સુચારુ ઉપયોગ કરવાની દિશામાં ટેકનીકલ સપોર્ટ આપશે.
એટલું જ નહીં ઈ મોબિલિટી, ગ્રીન બિલ્ડિંગ્સ, રિન્યુએબલ એનર્જી ટ્રાન્સપોર્ટ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ તથા વેસ્ટ ટુ એનર્જી જેવા મુદ્દે પણ ટેક્નિકલ સહાય કરશે. ટેક્નિકલ ડિઝાઇન અને નાણાકીય સહાય માટે પીપીપી ધોરણે મદદ આપશે.
આ એમ.ઓ.યુને પરિણામે અમદાવાદ મહાનગરને દેશભરમાં પર્યાવરણ જાળવણી પ્રદુષણ નિયંત્રણ અને લો ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સ ડેવલમેન્ટ સ્ટ્રેટેજીના અમલમાં મોડેલ સિટી તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં ગતિ મળશે.