ગુજરાતમાં અવાર નવાર ટ્રેનની અડફેટે આવી મોત થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે રાજ્યના મોટા શહેરમાં અલગ અલગ જગ્યાથી ટ્રેનની અડફેટે આવી મોત થવાની પાંચ ઘટનાઓ આવી છે. સુરતમાં રોજગારી માટે આવેલા ત્રણ યુવકોનું ટ્રેનની અડફેટે આવતાં મોત નિપજ્યું છે. તેમજ મહેસાણામાં આવતા બે કિશોરોએ ટ્રેન નીચે કચડાતા પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાથી પાંચેય યુવકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સમગ્ર બનાવ વિશે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલાં જ સુરતમાં રોજગારી મેળવવા માટે આવેલા ત્રણ મિત્રો સોમવારે ભેસ્તાન અને સચિન રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યાં હતાં, તે સમયે ટ્રેનની અડફેટે આવતા ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ ત્રણેય મિત્રો દિવાળી બાદ ઉત્તર પ્રદેશથી સુરતમાં ઝરીના કારખાનામાં રોજગારી માટે આવ્યા હતાં. મૃતક યુવકોની ઓળખ પ્રમોદ નિશાદ, વડકું નિશાદ અને દીનું નિશાદ તરીકે થઈ છે. રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રેલવે પોલીસને અચાનક ટ્રેક પર ત્રણ મૃતદેહ મળી આવ્યા હતાં. ત્યારબાદ રેલવે પોલીસે તુરંત અકસ્માતનો ગુનો નોંધી ત્રણેય મૃતકો વિશે માહિતી મેળવી તપાસ હાથ ધરી છે.
બીજી બાજુ મહેસાણામાં અમરાપરા રેલવે ફાટક નજીક ટ્રેનની અડફેટે આવતા બે કૌટુંબિક ભાઈઓ મોતને ભેટ્યા છે. મહેસાણાના વિસનગરમાં રહેતાં 16 વર્ષીય દિવ્ય પરમાર અને તેનો કૌટુંબિક ભાઈ તરુણ પરમાર મોડી રાત્રે અગમ્ય કારણોસર અમરાપર પાસે રેલવે ટ્રેક પાસે પહોંચ્યા હતાં, જ્યાં ટ્રેને અડફેટે લેતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બંને કિશોરના મૃતદેહના મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ મોટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.