ગાંધીનગર: પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી થયેલા 42 લાખના પાઠ્યપુસ્તકની ચોરી મામલે પાઠ્યપુસ્તક મંડળે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં અંદરના અધિકારીઓએ જ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. પાઠ્યપુસ્તક મંડળના સેક્ટર-25 જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાંથી 42 લાખના ચોપડાની ચોરી થઈ હતી.
સેક્ટર-21 પોલીસ દ્વારા આ મામલે હજી સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. સરકારી ઓફિસની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાતી નથી અને ઘક્કા ખવડાવે છે. બીજી તરફ આ ચોરીના પ્રકરણમાં મંડળના ત્રણ અધિકારી સામે શંકા વ્યક્ત કરતો એક નનામો પત્ર પણ શિક્ષણ મંત્રીને મોકલવામાં આવ્યો છે. ત્યારે હવે 42 લાખના પુસ્તકોની ચોરી કોણે કરી તેના પર પરથી હજી સુધી પડદો ઉંચકાયો નથી.
8 નવેમ્બરના રોજ ગાંધીનગરના સેક્ટર-25માં આવેલ પાઠ્યપુસ્તક મંડળમાંથી 42 લાખના પુસ્તકોની ચોરી થઈ હતી. આ મંડળ વર્ષો જૂનુ છે. 8 નવેમ્બરના રોજ મંડળમાંથી ધોરણ 11 અને 12 સાયન્સના પુસ્તકોની ચોરી થઈ હતી. જેના બાદ 9 નવેમ્બરના રોજ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. આટલી મોટી ચોરી બાદ પણ કોઈ તપાસ કરવામાં આવી ન હતી. તો બીજી તરફ, પુસ્તક મંડળમાં સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા નથી. તેમજ ગોડાઉનમાં ન તો કોઈ સીસીટીવી કેમેરા લગાવાયા છે, ન તો કોઈ લાઈટ નથી. સવાલ એ થાય છે કે, 42 લાખના પુસ્તકોની ચોરી કરીને તેને લઈ જવા હોય તો 6 થી 7 ટ્રકની જરૂર પડે. પરંતુ કોઈને કાનોકાન ખબર ન પડી કે, આખરે કેવી રીતે ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકો ચાઉ થઈ ગયા.