નડિયાદઃ નડિયાદ શહેરના કપડવંજ રોડ પરના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામનો ત્રણ માળનો એક બ્લોક શુકવારે રાત્રે અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. તો 6 જેટલા લોકો દટાયા હતા. ઘટનાની માહિતી મળતા જ ફાયરબ્રીગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રીગેડના જવાનોએ તુરંત જ દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ શરુ કર્યું હતું. અમદાવાદથી પણ ફાયરબ્રીગેડની ટીમને બોલાવવામાં આવી છે. તો વડોદરાથી પણ એનડીઆરએફની ટીમ પહોંચી છે.ગુજરાત હાઉસિંગ બોર્ડનો બ્લોક નંબર 26 ધરાશાયી થતા તેના કાટમાળમાં દબાયેલાઓને બહાર કાઢવા સ્થાનિકો, નડિયાદની ફાયર બ્રિગેડની ટીમ, અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ટીમ અને વડોદરાથી એનડીઆરએફ પહોંચી હતી. અત્યાર સુધી દટાયેલા પૈકી 2 લોકોને બચાવી લેવાયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બ્લોકને સિત્તેરના દાયકામાં બનાવવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક બ્લોકમાં 12 મકાન હતા અને ત્રણ માળની બિલ્ડિંગ હતી. આ મકાનોની સ્થિતિને ધ્યાન રાખીને મકાનો ખાલી કરવા અગાઉ નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.