ભૂજઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે 4.1 તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)એ જણાવ્યું હતું કે એનું કેન્દ્ર ધોળાવીરાની પાસે સ્થિત હતી. ભૂકંપ આવતાં લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકાને કારણે જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
ગાંધીનગર સ્થિત સંસ્થાએ કહ્યું હતું કે શનિવારે 12.08 મિનિટે 4.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર કચ્છના ધોળાવીરાથી 23 કિલોમીટર પૂર્વ-દક્ષિણમાં હતું. એ ભૂકંપનું કેન્દ્રબિન્દુ 6.1 કિલોમીટર ઊંડું નોંધવામાં આવ્યું હતું.
આ પહેલાં ચોથી ઓગસ્ટે જિલ્લામાં ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ ડિઝેસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લો અત્યંત ઉચ્ચ જોખમ ધરાવતો ભૂકંપીય ક્ષેત્ર છે. એ ક્ષેત્રમાં 2001માં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ સિવાય ગુજરાતના જામનગરમાં ગુરુવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. ગુજરાત સિવાય ગુરુવારે સવારે મેરઠ અને કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં ૧૨.૫૮ કલાકે ૨.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં પણ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.