USથી દેશનિકાલ કરાયેલા લોકોમાં 33 ગુજરાતી સામેલ, 4 પહોંચ્યા, 29 બપોરે આવશે

અમદાવાદ: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય ઈમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઈટ રવિવારે અમૃતસર ખાતે પહોંચી હતી. ત્રીજી ફ્લાઈટ 112 ભારતીયોને લઈ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી હતી. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના છે. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવશે.

માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવવાના છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 74 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 33, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા ચાર લોકોની તપાસ કરવામાં આવી હતી. જે બાદ ચાલ લોકો પોતાના વતન પરત મોકવામાં આવ્યા હતા. જેમાં બે લોકો મહેસાણાના હતા. જ્યારે અન્ય બેમાં એક ગાંધીનગર અને સુરેન્દ્રનગરના છે. મહેસાણાના યુવકોને પોલીસની ગાડીમાં બેસાડીને રવાના કરાયા હતા. ગાંધીનગરના યુવકને અમદાવાદ ઍરપોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે અને તેને બપોરે બીજી ફ્લાઇટમાં આવનારા લોકો સાથે ગાંધીનગર રવાના કરવામાં આવશે.  નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરી, શનિવારે પણ 116 ભારતીયોને લઈને અમેરિકન ઍરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના હતા. જ્યારે તેમાં 8 લોકો ગુજરાતના હતા અને અન્ય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા.