નડિયાદ નજીક સલુણ તળપદ ગામે સ્થિત શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરી એકવાર દરોડા પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં 3100 કિલોગ્રામ ભેળસેળીયા ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 8.75 લાખ રૂપિયા આંકવામાં આવી છે. શંકાસ્પદ ઘીના નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, કારણ કે વેપારી બટર ઓઈલમાં ઘીનો ફ્લેવર ઉમેરીને નકલી ઘી બનાવતો હોવાની આશંકા છે.
આ પહેલાં પણ, ગત ૩ માર્ચ, ૨૦૨૫ના રોજ ફૂડ વિભાગે આ પેઢી પર તપાસ હાથ ધરી હતી. તે સમયે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશનનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી. ૧૭ માર્ચે પેઢીએ આપેલા જવાબથી સંતોષ ન થતાં, ૧૯ માર્ચે ફરી તપાસનો આદેશ જારી થયો હતો. આજે, પેઢીના જવાબદાર દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા અને તપાસ દરમિયાન ૧૫૦૦ કિલોગ્રામ ઘી, ૧૬૦૦ કિલોગ્રામ બટર ઓઈલ અને ૧ લિટર ઘીનો ફ્લેવર જપ્ત કરાયો.
ફૂડ અધિકારી પિયૂષ પ્રજાપતિએ જણાવ્યું કે, ઘીના ત્રણ નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટના આધારે નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. નોંધપાત્ર છે કે, આ પેઢી અગાઉ પણ ભેળસેળની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાનું જણાયું છે. આવી ગેરરીતિઓને રોકવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પેઢીનું એફ.એસ.એસ.એ. લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે.
