રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ 2 મોત, સપ્તાહમાં 24 કેસ નોંધાયા

રાજકોટ: રાજયભરમાં ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી હોય તેમ ડેન્ગ્યુ, મલેરીયા, તાવ, શરદી-ઉધરસ, ચિકનગુનીયા અને ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે. રાજકોટમાં ડેન્ગ્યુએ વધુ બે વ્યક્તિનો ભોગ લેતા હાહાકાર મચી ગયો છે. રાજકોટમાં વરસાદી વાતાવરણથી રોગચાળો વકર્યો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં ડેન્ગ્યુએ વધુ 2 વ્યક્તિઓનો ભોગ લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 24 નવા કેસ નોંધાયા છે. ચિકનગુનિયા અને ટાઈફોઈડના 3-3 નવા કેસ નોંધાયા છે. સામાન્ય તાવ, શરદી, ઉધરસના 1800થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટમાં એક સપ્તાહમાં મેલેરિયાના 2 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયેલા કેસો મુજબ ગત તારીખ 7 થી 15 સુધી અઠવાડિયામાં ડેન્ગ્યુના 24, મેલેરીયાના 2, ચિકન ગુનિયાના 3, ટાઇફોઇડના 3, કોલેરાનો 1, તાવના 673, શરદી-ઉધરસના 1112, ઝાડા-ઉલટીના 166 કેસ નોંધાયા છે. જેથી મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય તંત્રની 360 ટીમો દ્વારા 1,02,316 ઘરોમાં પોરાનાશક કામગીરી અને ફિલ્ડ વર્કરો દ્વારા 6242 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત મચ્છર ઉત્પતી સબબ બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સરકારી કચેરી સહિત 335 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી અને નોટીસ આપી રૂ.30100નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.