181 અભયમ મોબાઇલ એપ લોન્ચ,આપત્તિમાં તરત મદદ મોકલશે

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુરી પાડવામાં આ એપ્લિકેશન સહાયક બનશે. આ એપ સ્માર્ટ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇઓએસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ગુજરાત સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ ૧૮૧ અભયમ મોબાઇલ એપ જીવીકે ઇએમઆરઆઇના સહયોગથી વિકસાવવામાં આવી છે. ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મહિલા બાળ કલ્યાણપ્રધાન વિભાવરીબહેન દવે તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ લોન્ચિંગમાં ઉપસ્થિત રહ્યાં હતા.

મોબાઇલ એપમાં સમાવિષ્ટ New Features for Value added services આ મુજબ છેઃ

–      ૧૮૧ એપ વેબસાઇટ તેમ જ ગૂગલ પ્લેસ્ટોર અને એપસ્ટોર IOS પર ઉપલબ્ધ રહેશે.

–      સ્માર્ટ ફોનમાં પેનિક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે.

–      મોબાઇલ શેકિંગ કરતા (જોરથી હલાવતાં) પણ કોલ થઇ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે.

–      મોબાઇલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તરત જ ગૂગલના નકશામાં લેટ લોંગ (“Lat-Longs”) સાથે મળી જશે, જેથી ટેલીફોન કાઉન્સિલર દ્વારા ઘટનાસ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરુરિયાત મુજબ રેસ્કયુકાર્ય થશે.

–      આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઇન રેસ્કયુવાન કે પોલીસ સ્ટેશનને જાણ કરવાનો નિર્ણય કરવામાં મદદરૂપ બનશે તેમજ એપ્લિકેશન થકી મહિલાના મળેલ લોકેશન સાથેની માહિતી તેમનાં સગાં વ્હાલાને ત્વરિત મોકલી શકાશે જેથી મહિલાને શોધવાના સમયનો બચાવ થશે.

–      મહિલા ઘટનાસ્થળના ફોટો અને વિડીયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકશે.

–      મહિલા ઘટનાસ્થળ વિશે માહિતી આપી શકે તેમ ન હોય તો પેનીક બટન દબાવતા ઘટનાસ્થળની એપ્લિકેશનના માધ્યમથી માહિતી હેલ્પલાઇનને પહોચી જશે.

–      એપમાં 181 બટન દબાવતાંની સાથે મુશ્કેલ સ્થિતિમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક SMSથી સંદેશ મળી જશે.

–      એપ્લિકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રસ એક સાથે હેલ્પલાઇન સેન્ટરમાં મળી જશે જેમાં તેનું (૧) કોલનું સ્થળ (ર) SDR ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર પાસે નોધાયેલ એડ્રસ (૩) એપ્લિકેશન રજિસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રસ.

–      આ બધી જ માહિતી મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાને ત્વરિત રેસકયૂ કરવામાં હેલ્પલાઇન સેન્ટરને ઉપયોગી પુરવાર થશે.

 

ગુજરાતની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટેકનોલોજીના ઉપયોગ સાથેની કેટલીક વિશેષતાઓ છે.ગુજરાતમાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજ્યો કરતા આગવી ખાસીયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવેલ છે. તેના અભ્યાસ માટે વિવિધ રાજ્યોના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી સમગ્ર હેલ્પલાઇનની આવી વિશેષતાઓ અને અમલીકરણને સમજી સરાહના કરવામાં આવી છે.

–      આ ૧૮૧ હેલ્પલાઇન સતત ર૪ કલાક નિઃશુલ્ક સેવા કાર્યરત રહે છે.

–      CCT ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત થાય છે.

–      Voice Logger દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાતાર્લાપની માહિતીનો સંગ્રહ થાય છે.

–      ગુગલના નકશાના ઉપયોગથી બનાવના સ્થળ અને નિકટની સવલતોનો ઝડપી સંચાર મળી રહે છે

–      LAN/WAN લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક થકી કોમ્પ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ શકય બને છે.

–      GPS ટેકનોલોજીથી સજ્જ રેસકયુવાન સ્થળનું ચોક્કસ નિદર્શન અને વાનનું અવરજવરનું સમયબદ્ધ નિયંત્રણ અને મહત્તમ ઉપયોગ થઇ શકે છે.

–      એન્ડોઇડ બેઝ‘‘181 અભયમ એપ્લિકેશન’’ના માધ્યમથી પીડિત મહિલાના ઘટના સ્થળની ત્વરિત મદદ માટે માહિતી મળી જાય છે.

–      આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.

–      રાજ્યમાં હાલમાં કાર્યરત ચાઇલ્ડ હેલ્પલાઇન, મહિલા આયોગની હેલ્પલાઇન, ૧૦૦, ૧૦૮ જેવી અન્ય હેલ્પલાઇન સાથે સુગ્રથિત સંકલનની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી છે.

–      રાજ્ય સરકારની મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા આપવાની આગવી વ્યવસ્થા છે.

–      ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.

–      મહિલા ઉપર કોઇ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા ઉપલબ્ધ છે.

–      પ્રત્યેક કોલનું માળખાગત બેક ઓફિસ દ્વારા ફોલોઅપ અને સંતોષકારક સમસ્યાનું નિવારણ થાય છે.

મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ‘‘181 હેલ્પલાઇન’’ની સુવિધાની ઉપલબ્ધિની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય મહિલા આયોગ, ગૃહ વિભાગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ‘‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’’ ૪ ફેબ્રુઆરી, ર૦૧૪ના રોજથી આ સેવા તાલીમબધ્ધ મહિલા કાઉન્સેલર સાથે ૪પ રેસ્કયુ વાન સહિત 24×7 સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ૪,૦પ,૬૦ર કરતાં વધારે મહિલાઓએ વિકટ પરિસ્થિતમાં સલાહ, બચાવ માર્ગદર્શન માટે 181 હેલ્પ લાઇનની મદદ લીધી છે તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્કયુવાન સાથે કાઉન્સિલર જઇને ૮ર,૩પ૩ જેટલી મહિલાને મદદ પૂરી પાડેલ છે.

પ૦,૯રપ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ મુલાકાત અને કાઉન્સેલિંગ કરી કેસનો નિકાલ કર્યો છે.૨૪,૨૦૬ જેટલી મહિલાની સમસ્યા ગંભીર પ્રકારની ધ્યાન ઉપર આવતા તેને પોલિસ સ્ટેશન, નારીગૃહ, હોસ્પિટલ, એનજીઓ, પ્રોટેકશન ઓફિસર, મફત કાનૂની સલાહ કેન્દ્ર જેવી વિવિધ સંસ્થાઓ સુધી રૂબરૂ રેસ્કયુવાન દ્વારા પહોચાડી લાંબાગાળાની સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ રૂપ બને છે.