ચાંગા: ચાંગાસ્થિત વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)ની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવી છે. હાલમાં યોજાઈ રહેલી વાર્ષિક પરીક્ષામાં ચારુસેટની નવ કોલેજોના 9000થી વધારે વિદ્યાર્થીઓ પેપરને બદલે પેપરલેસ ડિવાઇસ ટેબ્લેટ પર પરીક્ષા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે આ એક્ઝામથી 12 લાખ પેપર એટલે કે લગભગ 150 વૃક્ષોને બચાવી પર્યાવરણની જાળવણી કરવામાં આવી રહી છે.
વર્ષ 2019માં ચારુસેટ યુનિવર્સિટી અને સિંગાપોરસ્થિત કંપની લિટલમોર ઇનોવેશન લેબ્સ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે સિંગાપોરસ્થિત લિટલમોર ઇનોવેશન લેબ્સ દ્વારા ચારુસેટને ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન યોજવાની સુવિધા આપી હતી. ડિજિટલ પેપરલેસ યુનિવર્સિટી એક્ઝામિનેશન સિસ્ટમના અમલીકરણ માટે લિટલમોર ઇનોવેશન લેબ્સ દ્વારા ચારુસેટના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ તાલીમી વર્ગો યોજવામાં આવ્યા હતા. શરૂઆતમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં 1500થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યાર 2022-2023થી તમામ ઇન્ટરનલ-એક્સટર્નલ પરીક્ષાઓ પેપરલેસ મોડમાં લેવાનું નક્કી કર્યું, જેના ભાગરૂપે અત્યારે પરીક્ષાઓ ટેબ્લેટ પર લેવામાં આવી રહી છે.
ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને એક્ઝામ કંટ્રોલર ડો. અતુલ પટેલ જણાવે છે કે આપણી ચારુસેટ યુનિવર્સિટી ગુજરાતમાં સૌપ્રથમ છે જેણે ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન શરૂ કરી છે પ્રશ્નપત્રો કોમ્પ્યુટરમાંથી કલાઉડ પર જાય અને ટેબ્લેટમાં અપલોડ થાય છે. પરીક્ષામાં આઇરિસ સ્કેનથી ઓથેન્ટિફિકેશન થાય છે. ટેબ્લેટ ડિવાઇસ બેટરી બેક-અપ 16 કલાક છે. ઇન્ટરનેટની જરૂર પડતી નથી અને વાઇ-ફાઇ કનેકશનથી ચાલે છે. આન્સર બુક ચેક થયા પછી વિદ્યાર્થીઓ જોઈ શકે છે. શરૂઆતમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પેપરલેસ પરીક્ષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ડિજિટલ પેપરલેસ પરીક્ષા લેવામાં આવે છે. અમે આ પરીક્ષા થકી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરી રહ્યા છીએ.
