કોસ્ટ ગાર્ડે માછીમારોને ચોમાસા, વાવાઝોડા  વિશે માહિતી પૂરી પાડી

અમદાવાદઃ કોસ્ટ ગાર્ડના વડા મથક-15 (ઉત્તર ગુજરાત)એ મત્સ્ય વિભાગ, વન વિભાગ, હવામાન વિભાગ (IMD) અને મરીન પોલીસ-ઓખા અને મત્સ્ય એસોસિયેશનના પ્રતિનિધિઓની હાજરીમાં ગઈ કાલે આઠ મેએ આરકે બંદર, ઓખામાં એક ખાસ કોમ્યુનિટી ઇન્ટરએક્શન પ્રોગ્રામ (CIP)નું આયોજન કર્યું હતું. CIPનો ઉદ્દેશ ચોમાસા દરમ્યાન સમુદ્રમાં રહેલા જીવો અને સંપત્તિની સુરક્ષા વિશે માછીમાર સમાજની વચ્ચે જાગરુકતા પેદા કરવાનો હતો.

આ કાર્યક્રમમાં આ પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.આ કાર્યક્રમમાં 80 માછીમારો માટે ગુજરાતી અને હિન્દીમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ સમુદ્રમાં જતા માછીમારો પાસે કાયદેસરના દસ્તાવેજ, ઓનલાઇન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ અને જીવનરક્ષક સાધનો વિશે તેમને સમજ આપવાનો હતો. આ સિવાય હવામાન વિભાગના પ્રતિનિધિઓએ માછીમારોને ચોમાસા અને વાવાઝોડા સંબંધિત સંકેતો વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમને લાઇફ જેક્ટ પહેરવા, CPR (કાર્ડિયો પલ્મોનરી રેસ્યુસિટેશન) અને લાઇફબોટનો યોગ્ય ઉપયોગનું વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માછીમાર સમાજને સમુદ્રમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR) હેલ્પિંગ ટોલ ફ્રી નંબર 1554 વિશે તેમને જાણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મિલેટ-2023ના ભાગરૂપે માછીમાર સમાજને દૈનિક ભોજનમાં જાડા ધાન્ય (બાજરા, રાગી વગેરેને) ભોજનમાં સામેલ કરવા વિશે અને એના લાભાલાભ વિશે માહિતી આપવામાં આવી હતી.