ગાંધીનગરઃ ગુજરાતના નાગરિકો દ્વારા થતી આર.ટી.આઇ. અરજીનો ઝડપથી નિકાલ થાય અને નાગરિકોનો સમય બચે તે માટે ગુજરાત માહિતી આયોગ દ્વારા ત્વરિત નિકાલનો અભિગમ દાખવીને માહિતી કમિશનર દિલીપભાઇ ઠાકર અને રાજ્ય માહિતી કમિશનર આર.આર. વરસાણી દ્વારા દર બુધવારે રાજ્યના વિવિધ જિલ્લાઓની કલેકટર કચેરી સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સુનાવણી રાખવામાં આવે છે, જેના લીધે અરજદારોનો મુસાફરી ભાડા-ખર્ચ ઘટે છે અને અધિકારી – કર્મચારીઓને આપવા પડતા ટી.એ.-ડી.એ.નું ભારણ ઘટતાં સરકારી તિજોરીમાં નાણાંની બચત થાય છે.
રાજ્ય માહિતી કમિશનર વિરેન્દ્ર પંડ્યા દ્વારા બનાસકાંઠા જિલ્લા કચેરી સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને વડગામ અને પાલનપુર તાલુકાઓ હેઠળની ૧૧૯ ગ્રામપંચાયતોને સંબંધિત તમામ ૧૧૯ અરજીઓનો એક જ દિવસે માત્ર ચાર કલાકની સુનાવણી યોજીને તમામ જાહેર માહિતી અધિકારીઓ, અપીલ અધિકારીઓ અને અરજદારને સાંભળી તમામ અરજીઓનો નિકાલ કર્યો છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓની કલેક્ટર કચેરીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજવાના કારણે દૂરના જિલ્લાઓના અરજદારોનો મુસાફરી ભાડા-ખર્ચ ઘટે છે તથા દૂરના જિલ્લાઓના સરકારી અધિકારી-કર્મચારીઓનો પણ ગાંધીનગર સુધી મુસાફરી કરી આયોગની કચેરીમાં હાજર રહેવાને બદલે તેમના જ જિલ્લાના કલેકટર કચેરીમાં ઉપસ્થિત થવાનું રહેતું હોઇ તેઓના ટી.એ.-ડી.એ.ના કારણે સરકારી તિજોરી ઉપર પડતાં ખર્ચમાં બચત થાય છે અને આ અધિકારી-કર્મચારીઓના સમયના બચતને પરિણામે જિલ્લા કક્ષાએ જનહિતના કામોમાં ઓછી અગવડતા રહે છે.