ભૂજ – ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ગામ નજીક ગઈ કાલે એક SUV કારને નડેલા ભીષણ અકસ્માતમાં એક જ પરિવારનાં 10 સભ્યો મોતનાં મુખમાં ધકેલાઈ ગયાં. એમની સ્પોર્ટ્સ યુટિલીટી વેહિકલ કાર બે ટ્રકની વચ્ચે ચગદાઈ ગઈ હતી. મૃતકોમાં પાંચ મહિલાનો સમાવેશ થાય છે.
કમનસીબ પરિવારની ઈનોવા કારને ભચાઉ હાઈવે પર ગઈ કાલે સાંજે અકસ્માત નડ્યો હતો. મૃતકો ડીસા શહેરમાં એક ધાર્મિક સ્થળે દર્શન કરીને ભૂજ પરત ફરતાં હતાં ત્યારે એમની કારનો અકસ્માત થયો હતો.
મીઠું ભરેલી અને કંડલા તરફ જતી એક ટ્રેલર ટ્રકનું ટાયર ફાટતાં એ ડિવાઈડર કૂદીને બીજી લેનમાં ઘૂસી ગઈ હતી અને તે SUV સાથે અથડાઈ હતી. કારમાં 13 જણ પ્રવાસ કરતાં હતાં. ત્રણ ઈજાગ્રસ્તની હાલત ગંભીર છે.
એ જ વખતે પાછળથી સિમેન્ટ ભરેલી એક અન્ય ટ્રકે કારને ટક્કર મારી હતી અને કાર બંને ટ્રક વચ્ચે દબાઈ ગઈ હતી. પરિણામે કારમાંના 10 જણનાં કરૂણ મરણ નિપજ્યાં હતાં.
માહિતી અનુસાર, મૃતક કોટીયા પરિવાર મૂળ રાજસ્થાનનો હતો અને તેઓ ભૂજમાં રહેતાં હતાં.
ઘટનાની જાણ થયા બાદ પોલીસો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બે કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અકસ્માત અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે અને ભોગ બનેલાઓને તમામ પ્રકારની સહાયતા કરવાનો જિલ્લા વહીવટીતંત્રને આદેશ આપ્યો છે.
મૃતકોનાં નામ છેઃ
અશોક ગીરધારીલાલ કોટીયા (44), નિર્મલા અશોક કોટીયા (38), નંદની અશોક કોટીયા (16), ભવ્ય અશોક કોટીયા (12), પૂનમ રમેશ કોટીયા (40), નીકિતા રમેશ કોટીયા (15), મોહન રમેશ કોટીયા (10), તૃપ્તિ દિનેશ કોટીયા (16), અર્જુન સુનીલ કોટીયા (18), હિતેશ સુનીલ કોટીયા (20).