અમદાવાદમાં ‘તારક મહેતા સ્મૃતિવિશેષ ‘ના સંસ્મરણોનો ગુલાલ પુસ્તકરુપે વહેંચાયો

0
4254

અમદાવાદ- દુનિયાને ઊંધા ચશ્મામાંથી નિહાળી દિલમાં સીધીસટ ઊતરતી જિંદગી આલેખનાર દિવંગત તારક મહેતા સદેહે આપણી વચ્ચે નથી. પરંતુ તેમના અઢળક સંસ્મરણો આજેપણ એવાં તરોતાજાં છે કે અમદાવાદમાં એએમએમાં તેમના વિશે આલેખાયેલાં પુસ્તકના વિમોચનમાં શહેરની જાણીતી અને માનનીય હસ્તીઓએ એ સંસ્મરણ વાગોળવામાં ભાગ લીધો હતો.

ચિત્રલેખામાં ચાર દાયકાથી વધુ સમય પોતાની લેખિની અર્પણ કરનાર તારક મહેતા દુનિયામાંથી વિદાય થયાં બાદ પણ તેમના વિશે અનેકાનેક પ્રકાશનોમાં ઘણું લખાયું હતું. એ તમામ વૈવિધ્યપૂર્ણ લખાણોનું એક પુસ્તકરુપે અમદાવાદમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

તારક મહેતાના બોસ્ટનવાસી દીકરી ઈશાની શાહ અને ન્યૂજર્સીથી લેખિકા ગીની માલવિયાએ સંકલિત કરેલા તારક મહેતા સ્મૃતિ વિશેષ પુસ્તકનું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં વિમોચન થયું. પુસ્તક વિમોચન આસિત મોદી-દિલીપ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું.

તારક મહેતાના સંસ્મરણો વાગોળવાની આ ક્ષણોમાં મધુ રાય, ભાગ્યેશ જહા અને રતિલાલ બોરીસાગર જેવા પીઢ સર્જકોએ પ્રાસંગિક સંબોધન કર્યાં હતાં. આ પુસ્તકના પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર છે.

લાખોકરોડો ચાહકોના અંતરપટમાં નિર્દંશ હાસ્યનો પમરાટ ફેલાવનારા તારક મહેતાના અસંખ્ય ચાહકો પણ જે બી ઓડિટોરિયમમાં યોજાયેલાં ઓપન ટુ ઓલ કાર્યક્રમમાં પોતાનાં માનીતા સર્જકને યાદ કરવાની ઘડીઓમાં પ્રેમથી આવી પહોંચ્યાં હતાં.સંસ્મરણના અવસરની ખાસ પળોની તસવીરી સાક્ષી…

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)