અગ્નિવીરોને લઈ ગુજરાત સરકારની મોટી જાહેરાત

કારગીલ વિજય દિવસના પર્વે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ દ્વારા અગ્નિવીરોને સ્થાનિક સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે શુક્રવારે મોડી સાંજે ગુજરાતમાં પણ આ પ્રકારની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. ભુપેન્દ્રભાઈ પટેલે X ઉપર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર લખ્યું છે કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી મૂંઝવણ વાહિયાત અને નિંદનીય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે. વધુમાં તેમણે લખ્યું કે, અગ્નિવીરના કારણે ભારતીય સેના વધુ યુવા બનશે. આ યોજના દેશના આવા બહાદુર યુવાનોને તૈયાર કરશે, જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે. સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે.