મોરબી : ‘કોફી વિથ કલેક્ટર’ ખાસ કાર્યક્રમ અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની બાળાઓએ આજે મોરબી સ્થિત જિલ્લા માહિતી કચેરીની શૈક્ષણિક અને પ્રેરણાદાયી મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બાળાઓને સરકારી માહિતી તંત્રની કામગીરી તેમજ ભવિષ્યના ઘડતર માટે કારકિર્દી અને રોજગારલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
મુલાકાત દરમિયાન સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરા દ્વારા બાળાઓ સાથે સંવાદ સાધીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળાઓના જ્ઞાનવર્ધક વિકાસ અને કારકિર્દી ઘડતરના હેતુથી તેમને ‘રોજગાર સમાચાર’, ‘કારકિર્દી માર્ગદર્શન’ અને ‘ગુજરાત પાક્ષિક’ જેવા ત્રણ ઉપયોગી પુસ્તકો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા.
અધિકારી દ્વારા બાળાઓને આ પુસ્તકોનો ગહન અભ્યાસ કરવા અને વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધ રોજગારીની તકો તથા કારકિર્દીના વિકલ્પો વિશે માહિતગાર બની દેશના સક્ષમ નાગરિક બનવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ મુલાકાતથી બાળાઓમાં વાંચન પ્રત્યેની રૂચિ કેળવાશે અને તેમના શૈક્ષણિક તથા કારકિર્દી વિકાસને નવી દિશા મળશે.




