ગેનીબેન ગુરૂવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્ર સરકારના મત્રીઓએ શપથ ગ્રહણ કરી લીધા છે. ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી ભાજપે 26 બેઠકો પર જીત મેળવીને આ વખતે પણ હેટ્રિક કરવા માટે એડીચોટીનું જોર લગાડી દીધું હતું.પરંતુ બનાસકાંઠાની એક બેઠક પર કોંગ્રેસની જીત થતાં ભાજપનું ક્લિન સ્વીપનું સપનું અધુરૂ રહી ગયું છે.હવે ગુજરાત કોંગ્રેસ ગેનીબેન ઠાકોરનું સન્માન કરવા જઈ રહી છે.13 જુન ના રોજ બપોરે 2.00 કલાકે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યું છે.બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભાજપના રેખાબેન ચૌધરી સામે 30,406 મતોથી પ્રચંડ વિજય થયો હતો. ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા.તો રેખાબેનને 6,41,477 મત મળ્યા હતા. હવે ગેનીબેન સાંસદ બનતાં ગુરુવારે બપોરે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપશે.તેમના રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યા બળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યા બળ ઓછું થઈને 12 સભ્યોનું થશે.


ગેનીબેને કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા. ગેનીબેને ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.તેમણે કહ્યું હતુ કે યુવતીઓને માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મુકવો કઈ ખોટો નથી સાથેના નિવેદનો બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.