ગાંધીનગરઃ ગિફ્ટ સિટી IFSCમાં ફંડ્સ કમિટમેન્ટ્સ વર્ષ 2030 સુધીમાં 100 અબજ US ડોલરને પાર કરી જશે તેવી સંભાવના છે, એમ અગ્રણી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્લેટફોર્મ PMS બાઝારે અંદાજ વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે કલ્પના કરાયેલી ગિફ્ટ સિટી આજે ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઊભરી આવેલી ભારતની મહત્વાકાંક્ષાનું પ્રતીક બની ગઈ છે.
30 જૂન, 2025 સુધીમાં 177 ફંડ મેનેજમેન્ટ કંપનીઓ અને કેટેગરી 1, 2, 3 AIF અને વેન્ચર કેપિટલ સ્કીમ્સ સહિત 270થી વધુ ફંડ્સ/સ્કીમ્સ IFSCમાં નોંધાઈ ચૂકી છે. એક વર્ષમાં લગભગ ત્રણ ગણા કમિટમેન્ટ્સ મેળવનાર કેટેગરી 3 AIF જૂન, 2025 સુધીમાં 10.15 અબજ US ડોલરે પહોંચ્યા છે. આ આંકડા સતત વધતા મૂડીરોકાણની સાથે ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે સારી સંભાવનાઓ ગિફ્ટ સિટીને ભારતની ક્રોસ-બોર્ડર વેલ્થ સ્ટ્રેટેજીના કેન્દ્રમાં મૂકી રહી છે.ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSC)ના ડેટા મુજબ જૂન, 2025 સુધીમાં કુલ એસેટ મેનેજમેન્ટ કમિટમેન્ટ્સ અને AUM 23.5 અબજ US ડોલરે રહી હતી. 35 ટકાના અંદાજિત વૃદ્ધિદર સાથે તે 2030 સુધીમાં 100 અબજ US ડોલરનો આંક વટાવે તેવી સંભાવના છે.આ અંદાજો ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ રજૂ કરાયેલા સક્ષમ સુધારાઓ પર આધારિત છે, જેનાથી ભારત અને ગિફ્ટ IFSCની ગ્લોબલ ફંડ મેનેજમેન્ટ હબ તરીકેની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર વધારો થયો છે.
ગિફ્ટ સિટીના MD અને ગ્રુપ CEO, IAS સંજય કૌલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ભારતની વૈશ્વિક નાણાકીય સફરની મોખરે છે. મજબૂત નિયમનકારી માળખું, કરવેરા-સક્ષમ માળખા અને વધતી આંતરરાષ્ટ્રીય રોકાણકાર સહભાગિતા સાથે અમે ન કેવળ ફંડ મેનેજમેન્ટ માટેની એક ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ, પરંતુ ગ્લોબલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચરમાં ભારતની સ્થિતિને આકાર આપી રહ્યા છીએ. ફંડ અંગેના કમિટમેન્ટ્સ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે.
ગિફ્ટ સિટી એ માત્ર કોન્સેપ્ટ જ નહીં, પરંતુ કેટલિસ્ટ છે. નીતિઓ અંગેની સ્પષ્ટતા તથા NRI અને વૈશ્વિક રોકાણકારોની રુચિ સાથે ભારત અહીં ઘરઆંગણે જ 100 અબજ US ડોલરનું ગ્લોબલ ફંડ મેનેજમેન્ટ હબ ઊભું કરવાની તક ધરાવે છે, એમ PMS બાઝારના સ્થાપક આર.પલ્લવરાજને જણાવ્યું હતું.
ગિફ્ટ સિટી સાથેના સહયોગમાં PMS બાઝાર 22મી ઓગસ્ટે ગાંધીનગરમાં રેડિસનમાં ગિફ્ટ સિટી ક્લબમાં ખાતે ગિફ્ટ સિટી ફંડ્સ કોન્ક્લેવ 2025નું આયોજન કરી રહી છે. આ કોન્ક્લેવમાં ભારતની ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે નીતિ ઘડનારાઓ, ફંડ મેનેજર્સ અને NRI તથા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એકત્રિત થશે.
