નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ PM ઇમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. ભ્રષ્ટાચારના કેસમાં તેમને અને તેમની પત્ની બુશરા બીબીને- બંનેને કોર્ટે સજા સંભળાવી છે. ભૂતપૂર્વ PMને 14 વર્ષની અને તેમની પત્નીને સાત વર્ષની જેલ સંભળાવવામાં આવી છે. રાવલપિંડીની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે આ કેસમાં ખાન દંપતીને દોષી કરાર ઠેરવ્યા છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ PM ઈમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ સંબંધિત જમીન કૌભાંડમાં 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સ્થાનિક કોર્ટે આ કૌભાંડમાં મહત્ત્વનો ચુકાદો આપતાં ઇમરાનની પત્નીને પણ સાત વર્ષની જેલની સજા ફટકારી છે. હાલ ઈમરાન ખાન અને બુશરા બીબી બંને જેલમાં જ બંધ છે. કોર્ટે ઈમરાન અને બુશરા પર રૂ. 10 લાખ અને રૂ. 5 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. જો ખાન દંપતી દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહે તો બંનેને છ મહિનાની વધુ જેલની સજા પણ થઈ શકે છે.
નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરોએ ડિસેમ્બર, 2023માં ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી, સહિત અન્ય છ વિરુદ્ધ રાષ્ટ્રીય ખજાનાને 190 મિલિયન પાઉન્ડનું નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.. ઈમરાન અને તેના પત્નીએ અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સાથે મળી અબજો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું હતું.
શું હતો મામલો?
ઈમરાન ખાન અને બુશરા બીબીએ બહરિયા ટાઉન લિ.નો યુકેમાં ચાલતા કેસની પતાવટમાં મદદ કરવા બદલ અબજો રૂપિયા અને જમીન (અંગત લાભ) મેળવી હોવાનો આરોપ હતો. આ મામલે કોર્ટે ઈમરાનને સ્પષ્ટીકરણ આપવા માટે અનેક તકો આપી હોવા છતાં તે પોતાને નિર્દોષ સાબિત કરી શક્યા ન હતાં.