અમેરિકા: નોર્થ ડાકોટા (North Dakota) રાજ્યમાં પ્રથમ વખત મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. રાજ્યની રાજધાની બિસ્માર્ક (Bismarck) ખાતે આવેલા પીસ પાર્ક (Peace Park)માં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ગાંધીજીના શાંતિ અને અહિંસાના સંદેશને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.
આ અનાવરણ સમારોહમાં નોર્થ ડાકોટાના ગવર્નર કેલ્લી આર્મસ્ટ્રોંગ, ફર્સ્ટ લેડી કેર્સ્ટી આર્મસ્ટ્રોંગ, ભારતીય કોન્સ્યુલ જનરલ પ્રકાશ ગુપ્તા તેમજ ભારતીય સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિમા પર અંકિત તકતી પર ગાંધીજીનો પ્રસિદ્ધ સંદેશ કોતરવામાં આવ્યો છે કે, “દુનિયા સાથે મિત્રતા રાખવી અને સમગ્ર માનવજાતને એક પરિવાર સમાન ગણવી એ જ સાચો માર્ગ છે.” સેટલ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ (Consulate General of India) અને સ્થાનિક સમુદાયના સહયોગથી આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે બંને દેશો વચ્ચે લોક-થી-લોક સંબંધોને વધુ ગાઢ બનાવશે.




