આંદામાનમાં મોટાં ઓઇલ ક્ષેત્રો મળવાની અપેક્ષા : હરદીપ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે કહ્યું હતું કે દેશમાં હાઈડ્રોકાર્બન એક્સપ્લોરેશનના નવા તબક્કામાં ગુયાનાં જેટલાં મોટાં ઘણાં ઓઇલ ક્ષેત્રો મળવાની અપેક્ષા છે. તેમણે ‘ઊર્જા વાર્તા 2025’ કાર્યક્રમમાં કહ્યું હતું કે અમે ઓપન એક્રેજ લાયસન્સિંગ પોલિસી (OLAP) રાઉન્ડ-10 હેઠળ 2,00,000 ચોરસ કિમીથી વધુ વિસ્તારમાં વધુ હાઈડ્રોકાર્બન ખોદકામ અને એક્સપ્લોર કરવાનું આયોજન કરીએ છીએ. અમારું લક્ષ્ય 2025 સુધીમાં એક્સપ્લોરેશન ક્ષેત્રને 5 લાખ ચોરસ કિમી અને 2030 સુધીમાં 10 લાખ ચોરસ કિમી સુધી વિસ્તૃત કરવાનું છે. મને પૂરો વિશ્વાસ છે કે ખાસ કરીને આંદામાન સાગરમાં અમને ગુયાનાં જેટલાં ઘણાં મોટાં તેલ ક્ષેત્રો મળશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમે એક્સપ્લોરર્સ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટાની ઉપલબ્ધતા, નાણાકીય પ્રોત્સાહન, સ્થિર નિયમનાત્મક માળખું, રોકાણને જોખમમુક્ત બનાવવા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છીએ, જેથી ભારતને ઓઈલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન અને પ્રોડક્શન (E&P) માટે વૈશ્વિક નેતા બનાવી શકાય.

તેમણે જણાવ્યું હતું કે ‘ઊર્જા વાર્તા 2025’ હેઠળ આયોજિત ‘મંચ મંત્રી કા’ કાર્યક્રમમાં તેમની ઉત્સાહવર્ધક ચર્ચા થઈ. આ એક અનોખું પ્લેટફોર્મ હતું, જ્યાં ભારતના ઊર્જા ક્ષેત્રના અગ્રણી, પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ, ઊર્જા વ્યાવસાયિકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઊર્જા સુરક્ષા અને ગ્રીન ઊર્જા પરિવર્તન માટેની ભારતની યાત્રાના હિતધારકો એકઠા થયા હતા.

તેમણે ઉમેર્યું હતું કે વિશ્વના ઘણા ભાગોમાં ભૂ-રાજકીય તણાવ હોવા છતાં, ભારતમાં ઊર્જા અંગેના ત્રણ મોટા પડકારો – ઉપલબ્ધતા, યોગ્ય કિંમત અને સ્થિરતા –નો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે દેશના નાગરિકોની ઊર્જા જરૂરિયાતો સરકાર માટે પ્રાથમિકતા છે અને તેલ તથા ગેસ આયાત કરનારા દેશોનો વ્યાપ પણ વધુ વિસ્તૃત થયો છે.