નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ગયા અઠવાડિયે 180થી વધુ દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ તરત અસરકારક થઈ ગયા છે. ટ્રંપ વહીવટી તંત્રની નવી નીતિ હેઠળ નોન-લિસ્ટેડ દેશોથી થતી તમામ આયાત પર 10 ટકા ટેરિફ લાગશે, જ્યારે એવા દેશો પર વધુ ટેરિફ લાગશે, જે ટ્રંપ વહીવટી તંત્રના અનુસાર અમેરિકી નિકાસ પર કડક નિયમો કે ટેરિફ લગાવે છે.
આ નિર્ણયના જવાબરૂપે ચીને અમેરિકાથી આવતી દરેક આયાત પર હવે 34 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે 10 એપ્રિલથી અમલમાં આવશે. ચીન તરફથી જવાબી ટેરિફ લાગ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન પર 50 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે.
બીજી તરફ સમાચાર છે કે હવે યુરોપિયન યુનિયન (EU) પણ અનેક અમેરિકી ઉત્પાદનો પર જવાબી ટેરિફ લગાવવાની તૈયારીમાં છે. જોકે, આ પ્રસ્તાવને હજુ સભ્ય દેશો દ્વારા મંજૂરી મળવાની બાકી છે.
EUએ સોમવારે કેટલાંક અમેરિકી ઉત્પાદનો પર 25 ટકા જવાબી ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એજન્સીએ દસ્તાવેજોના હવાલાથી જણાવ્યું છે કે કેટલાક ઉત્પાદનો પર ટેરિફ 16 મે, 2025થી અમલમાં આવશે, જ્યારે કેટલીક બીજી વસ્તુઓ પર આ વર્ષથી લાગુ થશે. તેમાં હીરા, ઇંડા, ડેન્ટલ ફ્લોસ, પોલ્ટ્રી સહિત અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. સમાચાર છે કે સભ્ય દેશોએ વાંધો ઉઠાવ્યા પછી કેટલીક વસ્તુઓને યાદીમાંથી કાઢી લેવામાં આવી છે.
યુરોપિયન યુનિયનએ સોમવારે આ વાત પર સંમતિ દર્શાવી કે ડોનાલ્ડ ટ્રંપ દ્વારા લાગુ કરાયેલા ટેરિફને હટાવવા માટે જવાબી કાર્યવાહી કરતાં વાતચીતને પ્રાથમિકતા આપવામાં આવશે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયને બ્રસેલ્સમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે યુરોપિયન યુનિયન ઔદ્યોગિક વસ્તુઓ માટે શૂન્ય વિરુદ્ધ શૂન્ય ટેરિફ કરાર માટે વાતચીત કરવા માટે તૈયાર છે. ટ્રંપની નીતિ મુજબ 27 દેશોના યુરોપિયન યુનિયનને સ્ટીલ, એલ્યુમિનિયમ અને કારો પર 25 ટકા આયાત શૂલ્ક અને લગભગ તમામ અન્ય વસ્તુઓ પર બુધવારથી 20 ટકાનો રેસિપ્રોકલ ટેરિફ ચૂકવવો પડશે. ટ્રંપની નીતિ અનુસાર આ દેશો અમેરિકી આયાત પર વધુ ટેરિફ લગાવે છે.
