શર્મિલા ટાગોર સાથે કામ કરવું ગર્વની વાતઃ મનોજ બાજપાઈ

મુંબઈઃ આગામી હિન્દી ફિલ્મ ‘ગુલમોહર’માં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મનોજ બાજપાઈ પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે ચમકશે. આ ફિલ્મ દ્વારા શર્મિલા ટાગોરે લાંબા સમય પછી સ્ક્રીન પર પુનરાગમન કર્યું છે. આ ફિલ્મ થિયેટરોમાં નહીં, પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે. એક સવાલના જવાબમાં બાજપેયીએ કહ્યું, એક સમય હતો જ્યારે ભારતમાં સંગઠિત પરિવાર બનાવીને લોકો રહેતાં હતાં, પરંતુ આજે પરિવારો તૂટી રહ્યાં છે. આ ફિલ્મમાં એવા પરિવારની વાર્તા છે જ્યાં દરેક સભ્ય ઘરની અંદર જ પોતપોતાનાં એક ખૂણા પૂરતો સીમિત રહી જાય છે – એકલો પડી જાય છે. શર્મિલા ટાગોરે મારી માતાનો રોલ કર્યો છે અને એમની સાથે કામ કરવું એક આનંદદાયક અનુભવ અને ગર્વની વાત છે. આ ફિલ્મ આજના જમાનામાં દરેક જણને સ્પર્શતી વાર્તા છે.

રાહુલ વી. ચિટ્ટેલા દ્વારા દિગ્દર્શિત અને અર્પિતા મુખરજી લિખિત ‘ગુલમોહર’ ફિલ્મ 3 માર્ચે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરાશે. ફિલ્મમાં શર્મિલા ટાગોર અને મનોજ બાજપાઈ ઉપરાંત સિમરન, અમોલ પાલેકર અને સૂરજ શર્મા જેવા અન્ય કલાકારો પણ છે.