સફેદ પાઘડી, સૂફી સંત બન્યા 87 વર્ષના ધર્મેન્દ્ર

નવી દિલ્હીઃ દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રના તેના આગામી પ્રોજેક્ટના ફર્સ્ટ લુકથી તેના ફેન્સને ચોંકાવ્યા છે. તે તાજ-રોયલ બ્લડ- મુગલ સામ્રાજ્ય પર આધારિત એક વેબ સિરીઝમાં સૂફી સંત સલીમ ચિશ્તીની ભૂમિકા ભજવી રહ્યા છે. આ શોમાં નસીરુદ્દીન શાહ અકબર બાદશાહની ભૂમિકામાં છે. આ સિરીઝ અકબર શાસન કાળ પર કેન્દ્રિત છે, જે એક યોગ્ય ઉત્તરાધિકારીની શોધમાં નીકળે છે.

ધર્મેન્દ્રએ સોશિયલ મિડિયા પર તેની વેબ સિરીઝનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. તે તેના નવા અવતારમાં લગભગ ઓળખાવા લાગ્યો છે. તેણે પાઘડી અને લાંબી સફેદ દાઢીમાં જોઈ શકાય છે. તેણે કેપ્શનમાં  લખ્યું છે કે મિત્રો, હું ફિલ્મ તાજમાં શેખ સલીમ ચિશ્તી- એક સૂફી સંતની ભૂમિકા નિભાવી રહ્યો છું. એક નાની પણ મહત્ત્વની ભૂમિકા… તમારી શુભેચ્છાઓની જરૂર છે.  તેમણે કેપ્શનની સાથે એક વધુ ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે આશા છે કે તમને એ પસંદ આવશે.

અનેક ફેન્સે તેમની પોસ્ટ પર કોમેન્ટ કરી છે અને અને નવા લુકની પ્રશંસા કરી છે, જ્યારે કેટલાક ફેન્સે તેમને ટ્રોલ પણ કર્યા છે. આ વેબ સિરીઝમાં અનારકલી તરીકે અદિતિ રાવ હૈદરી અને સલીમ તરીકે આશિમ ગુલાટી છે. આ ઉપરાંત સંધ્યા મૃદુલ, તાહા શાહ, રાહુલ બોસ અને શુભમ કુમાર મહેરા પણ છે, આ વેબ સિરીઝને રોનાલ્ડો સ્કેલપેલોએ ડિરેક્ટ કરી છે.