વૈશાલીને પડોશી હેરાન કરતો હતો; ફરાર છે

ઈન્દોરઃ હિન્દી ટીવી સિરિયલોની અભિનેત્રી વૈશાલી ઠક્કર ગઈ કાલે સવારે એનાં અત્રેનાં નિવાસસ્થાને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે કહ્યું કે ઘટનાસ્થળેથી એમને આત્મહત્યાની નોંધ મળી છે. વૈશાલીનાં પરિવારમાં એનાં માતા, પિતા અને નાનો ભાઈ છે.

સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ મુજબ, ઈન્દોરના સહાયક પોલીસ કમિશનર એમ. રેહમાને કહ્યું કે, વૈશાલીને રાહુલ નામનો એક પડોશી હેરાન કરતો હતો અને એને કારણે જ વૈશાલીએ આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભર્યું હતું. વૈશાલી કેન્યાસ્થિત ડો. અભિનંદન સિંહ સાથે લગ્ન પણ કરવાની હતી, પણ રાહુલે એમાં પણ અવરોધો ઊભા કર્યા હતા. રાહુલ હાલ ફરાર છે. પોલીસ એને શોધી રહી છે.

એક અન્ય અહેવાલ મુજબ, વૈશાલીની સુસાઈટ નોટ અંગ્રેજીમાં લખેલી છે. ‘આઈ લવ યૂ માં, પાપા. મને માફ કરી દેજો. પ્લીઝ રાહુલ તથા અન્યને સજા અપાવજો. અઢી વર્ષથી મેન્ટલ ટોર્ચર કરે છે. એમને સજા દેવડાવજો નહીં તો મારી આત્માને શાંતિ નહીં મળે. તમને મારાં સોગંદ. ખુશ રહેજો. આઈ લવ યૂ ધ મોસ્ટ. હું જાણું છું મેં કયો જંગ ખેલ્યો છે. રાહુલે શું શું ખોટું નથી કર્યું.’