અજય દેવગને 42થી વધુ ફ્લોપફિલ્મોમાં કામ કર્યું

મુંબઈઃ બોલીવૂડ એક્ટર અજય દેવગન આજકાલ બે ફિલ્મો ‘થેન્ક ગોડ’ અને ‘દ્રશ્યમ 2’ને લઈને ન્યૂઝમાં છે. તેની ફિલ્મ ‘થેન્ક ગોડ’નું દિવાળી ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને સોશિયલ મિડિયા પર ફેન્સને ઘણું પસંદ પડ્યું હતું. તેની આ ફિલ્મ 25 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. તેની અપકમિંગ ફિલ્મ ‘દ્રશ્યમ-2’નું ટ્રેલર 17 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. તેની આ ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થવાની છે. જોકે અજયે 31 વર્ષની કેરિયરમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને એમાંથી 42થી વધુ ફિલ્મો ફ્લોપ રહી છે. જેમાંથી 10 ફિલ્મો એવી પણ છે, જે રૂ. પાંચ કરોડ સુધીની કમાણી નથી કરી શકી.

અજયે 1991માં આવેલી ‘ફૂલ ઔર કાંટે’થી કેરિયરનો પ્રારંભ કર્યો હતો. તેની ‘ડેબ્યુ’ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. તેણે કેરિયર અનેક સુરપરહિટ ફિલ્મો આપી છે, પણ કેટલીક સુપરફ્લોપ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અજયે આ વર્ષે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં બે ફિલ્મો- ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘RRR’માં તેણે કેમિયો કર્યો, જ્યારે ‘રનવે 34’માં લીડ રોલ પ્લે કર્યો હતો. આમાંથી લીડ રોલવાળી ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી.

અજયની કાજોલ સાથે આવેલી ‘ટુનપુર કા સુપરહીરો’ બોક્સ ઓફિસ પર માત્ર રૂ. 3.55 કરોડનો જ બિઝનેસ કરી શકી હતી. આ સિવાય તેની પાંચ કરોડ કરતાં પણ ઓછો બિઝનેસ કરતી ફિલ્મોમાં ‘રેઇનકોટ’, ‘બ્લેકમેઇલ’, ‘પરવાના’, ‘ચોરી ચોરી’, ‘તક્ષક’, ‘ગૈર’, ‘જખમ’, ‘બેદર્દી’ અને ‘ધનવાન’ પણ ફ્લોપ રહી હતી.