નવી દિલ્હીઃ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો સુપરસ્ટાર રજનીકાંતનું નામ પણ મોખરાની હરોળમાં લેવામાં આવે છે. રજનીકાંતને જેકી ચેન બાદ એશિયાના સૌથી ફેમસ સ્ટાર માનવામાં આવે છે.
પણ તમે એના ચાહક તરીકે એમના વિશે કેટલી વાત જાણો છો?
બહુ ઓછા લોકો જાણે છે કે તમિલ સુપરસ્ટાર રજનીકાંતનો જન્મ કર્ણાટકમાં રહેતા એક પરિવારમાં 12 ડિસેમ્બર 1950 ના રોજ થયો હતો. આ સિવાય તમિલ તેમની મૂળ ભાષા પણ નથી, પરંતુ મરાઠી અને કન્નડ તેમની માતૃભાષા છે.
“થલાઈવા” ઉપનામથી જાણીતા રજનીકાંતનું આ નામ પણ ઓરિજનલ નથી. તેમનું મૂળ નામ શિવાજી રાવ ગાયકવાડ છે. રજનીકાંત ફિલ્મોમાં આવનારા પહેલા એવા એક્ટર છે કે જેઓ એકદમ ગરીબ પરિવારમાંથી હતા. ફિલ્મોમાં આવતા પહેલા તેમણે કુલી, કારપેન્ટર અને બસ કંડક્ટર તરીકે પણ કામ કર્યું છે.
રજની અને બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ખૂબ સારા મિત્રો છે. ત્યાં સુધી કે રજનીકાંતે અમિતાભ બચ્ચનની કેટલીક સુપરહિટ ફિલ્મોના તમિલ રીમેકમાં પણ કામ કર્યું છે કે જે સુપરહીટ રહી. રજની અને અમિતાભે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે. આજે ભલે ઈન્ટરનેશનલ લેવલ પર શાહરુખ કે આમિર ખાનનું નામ હોય પરંતુ આ પહેલા રજનીકાંત પોતાના ઈન્ટરનેશનલ ફેન્સ બનાવીને અને તેમના દિલમાં રાજ કરીને બેઠા છે.
વર્ષ 2007 માં રજનીકાંત ભારતના સૌથી મોંઘા અને જેકી ચેન બાદ એશિયાના બીજા સૌથી મોંઘા સ્ટાર બની ગયા. એવું કહેવાય છે કે ફિલ્મ “શિવાજી ધ બોસ” માટે તેમણે 26 કરોડની ફી લીધી હતી.