એક્ટર ગોવિંદા શિવસેનામાંથી લોકસભા ચૂંટણી લડે એવી શક્યતા

મુંબઈઃ બોલીવૂડ એક્ટર ગોવિંદા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં સામેલ થયો છે. શિંદે જૂથ મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનનો હિસ્સો છે, જેમાં ભાજપ અને અજિત પવાર જૂથ સામેલ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ગોવિંદાએ ગુરુવારે મુખ્ય મંત્રી એકનાથ શિંદેની તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી, જે પછી અટકળો છે કે ગોવિંદા શિવસેનાની ટિકિટ પર મુંબઈ નોર્થ વેસ્ટ સીટથી ચૂંટણી મેદાનમાં ઊતરી શકે છે.

આ પહેલાં ગોવિંદા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. CM એકનાથ શિંદેએ પાર્ટીમાં તેમનું સ્વાગત કરતા કહ્યું કે તેઓ ડાઉન ટુ અર્થ છે અને દરેક તેમને પસંદ કરે છે.

તેમણે કહ્યું હતું કે આજે હું ગોવિંદાનું અસલી સ્વાગત કરું છું, જેઓ જમીન સાથે જોડાયેલા છે અને દરેકને પસંદ છે. ગોવિંદાએ કહ્યું હતું કે  જય મહારાષ્ટ્ર… હું CM શિંદેનો આભાર માનું છું. હું 2004-09થી રાજકારણમાં હતો. તેમાંથી બહાર આવ્યા પછી, મેં વિચાર્યું નહોતું કે હું પાછો આવીશ, પરંતુ 2010-24 આ 14 વર્ષના આ વનવાસ પછી હું શિંદેજીના રામરાજ્યમાં પાછો આવ્યો છું.

ગોવિંદાએ તેની કેરિયરમાં 165થી વધુ બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં રાજા બાબુ, કુલી નંબર 1, હીરો નંબર-1, પાર્ટનર વગેરે… વગેરે. એક્ટિંગની સાથે તેના ડાન્સિંગ મુવ્સ પણ ફેન્સને ખૂબ પસંદ છે.

મહારાષ્ટ્રની 48 લોકસભાની સીટો પર પાંચ તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કામાં 19 એપ્રિલે અહીં મતદાન થશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે થશે. ત્રીજા તબક્કામાં સાત મેએ મતદાન થશે. ચોથા તબક્કામાં સાત મેએ મતદાન થશે અને પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન થશે.