નાગપુરઃ બોલીવુડના જાણિતા એક્ટર સોનુ સૂદ આ વર્ષે નાગપુર સ્થિત પોતાની યશવંતરાય ચૌહાણ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પહોંચ્યા હતા. સોનુ વર્ષો પછી અહીંયા પહોંચ્યા હતા અને તેઓ થોડા ભાવુક થઈ ગયા હતા. આ જ કોલેજમાંથી તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. સોનુ સુદ કોઈ પર્સનલ કામથી નાગપુર પહોંચ્યા હતા અને તેમની ઈચ્છા પોતાના શિક્ષકોને મળવાની થઈ અને તેઓ પોતાની કોલેજ પહોંચી ગયા.
પોતાના આ અનુભવ મામલે જણાવતા સોનૂ સૂદે કહ્યું કે, હું આટલા બધા લોકોને મળ્યો. હું પોતાના ઈલેકટ્રોનિક્સ ભવનમાં ગયો અને અમારા એચઓડી અને ઈલેકટ્રોનિક્સ ટીચરને પણ મળ્યો. તેમની આંખો ભરાઈ આવી. સોનૂએ કહ્યું કે હું કોલેજના સેવા કર્મચારીઓથી લઈને ટોચના મેનેજમેન્ટ અધિકારીઓ સુધીના લોકોને મળ્યો અને અમે સાથે લંચ પણ કર્યું. આ મારા માટે ખૂબ યાદગાર ક્ષણો હતી. હું કેન્ટીનમાં પણ ગયો. ઘણી વસ્તુઓ બદલી છે, નવી બિલ્ડિંગ્સ આવી પરંતુ અમારી ઈલેક્ટ્રોનિક્સની બિલ્ડિંગ એ જ છે.
એક અન્ય ખાસ ઘટના કે જે કોલેજમાં તેમની યાત્રા દરમિયાન ઘટી. સોનૂ જણાવે છે કે કોલેજની બહાર એક સમોસાની રેકડી લગાવનારો છોકરો હતો જેને અમે ખાન ટપરી કહેતા હતા. જ્યારે તેણે મને જોયો તો તે મારી પાસે દોડીને આવ્યો અને મને ગળે વળગી ગયો. મને બહુ સારુ લાગ્યું કારણ કે અમે ત્યાં કલાકો સુધી બેસતા હતા. મને લાગે છે કે આ મારા માટે સૌથી ખાસ અને મહત્વની ક્ષણ હતી.